મળતી માહિતી અનુસાર, માલપુર વાલ્મિકી ફળિયામાં રહેતો શ્રમિક આધેડ મજૂરી કર્યા બાદ મંગળવારે સાંજે ગુગલી વિસ્તારમાં આવેલા દારૂના અડ્ડા પર દારૂ પીવા ગયો હતો. તે દરમિયાન માલપુર પોલીસે આધેડને પકડી પાડી મારમારી અટકાયત કરતા ગ્રામજનો વિફર્યા હતા. તે ઘટનાની જાણ અન્ય લોકોને થતા ટોળેટોળા પોલીસ સ્ટેશને ઉમટ્યા હતા.
વાલ્મિકી સમાજના લોકોના જણાવ્યા અનુસાર પોલીસ ગામમાં ચાલતા દેશી-વિદેશી દારૂનો ધંધો કરતા બુટલેગરોના હપ્તારાજના કારણે છાવરતી હશે. ત્યારે જ દારૂ વેચાય છે અને માલપુરમાં ત્રણ બુટલેગરો બિન્દાસ્ત રીતે દેશી દારૂનો ધંધો કરી રહ્યા છે. જોકે વેચાવાવાળા પર મીઠી નજર રાખી ફકત પીવાવાળાને દંડ કરવામાં આવતા વિરોધના વંટોળ ઉઠ્યા હતા. ગુજરાત વાલ્મિકી સમાજના કન્વીનર લાલજી ભગતે માલપુર પોલીસ સામે દેશી દારૂ ચલાવતા બુટલેગરો સામે કોઈપણ પ્રકારની કાર્યવાહી કરતી નથી તેવા આક્ષેપ કર્યા હતા.