જન્માષ્ટમીની ઉજવણી સમગ્ર દેશમાં ઉલ્લાસપૂર્વક થવાની છે. જેમાં ગુજરાતના 3 મુખ્ય મંદિરો દ્વારકા, ડાકોર અને શામળાજીમાં પણ કૃષ્ણ ભગવાનના જન્મોત્સવની ઉજવણી થવાની છે. ત્યારે, અરવલ્લી જિલ્લાની ગિરીમાળાઓમાં બિરાજમાન ભગવાન શામળિયાના જન્મોત્સવની ઉજવણીની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.
મુંબઈ-દિલ્હી નેશનલ હાઈવે નંબર 8 પર આવેલ શામળાજી મંદિર ખૂબ જ પ્રાચિન અને ગદાધાર પ્રતિમા ધરાવતું એકમાત્ર ભગવાન શ્રીકૃષ્ણનું મંદિર છે. જ્યાં ધામધૂમથી કૃષ્ણ જન્મોત્સવ મનાવાય છે. ત્યારે, આ વખતે ખાસ ડાયરા, ગરબા તેમજ રાત્રે કૃષ્ણ જન્મોત્સવ મનાવશે. જેની મંદિર પરિસરમાં અત્યારથી જ તૈયારીઓ કરવામાં આવી રહી છે.
જેમાં પાર્કિંગ સહિત દર્શનાર્થીઓને કોઇ જ પ્રકારની હાલાકી ન પડે તે હેતુથી મંદિર દ્વારા શણગારવાની કામગીરી પણ હાથ ધરવામાં આવશે. સુરક્ષાના ભાગરૂપે મંદિર ટ્રસ્ટ દ્વારા પોલિસ જવાનો તૈનાતા કરાયા છે, એટલું જ નહીં S.R.Pના જવાનોની માગ પણ કરવામાં આવી છે.