સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે, આ વ્યાજખોરોના તમામ વ્યાપારનું મૂળ મોડાસાના લક્ષ્મી શોપીંગ સેન્ટરના મોબાઈલ બજારમાં ચાલે છે. આ સમગ્ર વેપાર મોબાઈલ પર જ ચાલી રહ્યો છે. મોબાઇલ ખરીદ્યા છે, તેવા બીલ બનાવીને રોકડા રૂપિયા વ્યાજે આપવામાં આવે છે. જેનું વ્યાજ 30 ટકા સુધી ઉંચુ લેવામાં આવે છે. જેના કારણે યુવાનો મોજ શોખ કરવા માટે વ્યાજે નાણાં લેવા પ્રેરાય છે અને જ્યારે આ દેવુ ભરી શકતા નથી ત્યારે આ અંતિમ પગલુ ભરે છે.
આ તમામ યુવાનો લઘુમતિ સમાજના ઘાંચી જ્ઞાતિના છે. હજુ સમાજના 25 થી 30 યુવાનો વ્યાજખોરોના ચક્રવ્યૂહમાં છે. આ લોકો પણ ગમે ત્યારે કોઇપણ પગલું ભરી શકે છે, ત્યારે વ્યાજના ચક્રવ્યૂહમાં ઘેરાયેલા યુવકોના પરિવારજનો પણ વ્યાજખોરોના આતંક સામે હરફ ઉચ્ચારવા તૈયાર નથી કારણ કે, તેઓ એટલી હદે માનસિક તાણ અનુભવી રહ્યા છે કે, તેમને શું કરવું તેનું ભાન નથી. જો કે, વ્યાજખોરોના ત્રાસને અટકાવવા માટે સમાજનના આગેવાનોએ કડક કાર્યવાહી કરવા માટે અપીલ કરી છે.