- ભગવાન શામળિયાને સંગ ભક્તોએ ઉજવ્યો રંગોત્સવ
- શામળિયાને ચાંદીની પિચકારીથી રંગ લગાવાયો
- અબીલ ગુલાલ સાથે ભક્તો પર વરસાવાયો રંગ
અરવલ્લી: જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી મંદિરમાં હોળીની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી રહી છે. વહેલી સવારથી જ ભક્તો ભગવાનના દર્શન માટે મંદિર પરિસરમાં લાંબી કતારો લાગી હતી. યાત્રાધામ શામળાજીમાં હોળીના તહેવાર નિમિત્તે મંદિર પરિસરમાં હોળી રમવાની અનેરી પરંપરા છે. શામળાજી મંદિરમાં પુજારીએ ચાંદીની પિચકારી વડે ભક્તો પર રંગનો છંટકાવ કર્યો હતો. મંદિરમાં ઉડી રહેલા રંગો અને પાણીની છોળો પોતાના ઉપર પડે ત્યારે ભક્તો ધન્યતા અનુભવતા હતા. મંદિર પરિસરમાં અબીલ, ગુલાલ, કંકુ અને કેસુડાના રંગોથી ઉજવણી કરવામાં આવી હતી.
કોરોના ગાઈડલાઈન સાથે રંગોત્સવની ઉજવણી
કોરોના હાહાકાર વચ્ચે પણ ભક્તોની આસ્થામાં ઓટ આવી નથી. ભગવાનના દર્શન કરવા માટે વહેલી સવારથી મોટી સંખ્યામાં શ્રદ્વાળુઓની કતારો જામી હતી. કોરોના સંક્રમણ ન ફેલાય તે માટે સરકારે જાહેર કરેલી ગાઇડલાઇન મુજબ શ્રદ્વાળુઓને મંદિરમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો હતો.
ટૂંકા વસ્ત્રો પહેરીને આવતા દર્શનાર્થી પર પ્રતિબંધ
અરવલ્લીની ગિરિમાળાઓમાં બિરાજમાન ભગવાન શામળિયાના મંદિરમાં ટૂંકા વસ્ત્રો પહેરીને આવતા દર્શનાર્થીઓના પ્રવેશ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. યાત્રાધામ શામળાજી વિષ્ણુ મંદિર ટ્રસ્ટ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં મંદિરમાં ટૂંકી ચડ્ડી, બરમુડો અથવા તો તમામ પ્રકારના ટૂંકા વસ્ત્રો પહેરીને મંદિર આવવા પર દર્શનાર્થીઓ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.