- ગઠડા કંપના પ્રગતિશીલ ખેડૂતનો નવતર પ્રયોગ
- ઉત્તર ગુજરાતમાં શેરડીનું વાવેતર
- ગોળ બનાવી ખેડૂત આત્મનિર્ભર બન્યા
અરવલ્લી : ભારતમાં ખેડૂતો ખેતી વિષયક પ્રયોગ કરવાનું ટાળી પરંપરાગત વાવેતર કરતા હોય છે. ગુજરાતમાં ખેડૂતો મુખ્યત્વે મગફળી, ઘઉ, ચણા, કપાસ જેવી ખેતી કરે છે. ઉત્તર ગુજરાતમાં શેરડીની ખેતી કરવાનો સાહસ ભાગ્યે જ કોઇ ખેડૂત કરે છે. ત્યારે અરવલ્લીના ગઠડા કંપના ખેડૂત મિતેશ પટેલે નવતર પ્રયોગ કરી શેરડીનું વાવેતર કર્યુ છે. આ સાથે મીતેશ પટેલે સુભાષ પાલેકર પ્રેરિત ઓર્ગેનિક પદ્વતિ અપનાવી શેરડીની ખેતીને કરી છે.
શુગર મીલ ન હોવાને કારણે જાતે જ ગોળનું ઉત્પાદન કરવાનું નક્કી કર્યુ
ઉત્તર ગુજરાતમાં શુગર મીલ ન હોવાને કારણે શેરડીનું વાવેતર કર્યા બાદ તેનું વેચાણ ક્યાં કરવુ, તે પ્રશ્ન ઉપસ્થિત થાય છે. જોકે, એનું નિરાકરણ શોધી, મિતેશ પટેલે જાતે જ ગોળનું ઉત્પાદન કરવાનું નક્કી કર્યુ છે. ગોળ બનાવવા માટે મિતેશે ખેતરમાં રાબડો તૈયાર કર્યો છે. શેરડીમાંથી સૌપ્રથમ રસ કાઢી એક ટેન્કમાં એકત્ર કરવામાં આવે છે. ત્યાર બાદ પમ્પ મારફતે રસને રાબડામાં બનેલા મોટા તાવડામાં પહોંચાડવામાં આવે છે. જ્યાં શેરડીના રસની ચાસણી બનાવવા માટે 200 સેલ્શિયસ ઉપરાંત તાપમાને લાંબા સમય સુધી તપાવવામાં આવે છે. ચાસણી જ્યારે ઘટ્ટ થાય ત્યારે તેને બાજુમાં આવેલા ગોળાકાર બીબાંમાં કાઢવામાં આવે છે. જે બાદ ઘટ્ટ પ્રવાહી ઠંડુ થતા ગોળમં રૂપાંતરિત થાય છે. આ ગોળને વિવિધ માપના ડબ્બાઓમાં ભરીને વેચાણ માટે તૈયાર કરવામાં આવે છે.
આ ગોળ ખરીદવા ગ્રાહકો શોધતા આવે છે
લોકોમાં શુદ્વ અને સાત્વિક ખોરક અંગેની જાગૃતિ આવવાનાને લઇને મિતેશને કોઇ માર્કેટમાં ગોળ વેચવાની જરૂર નથી પડતી. ગ્રાહકો તેમના ખેતરે આવીને ગોળ ખરીદે છે. કાચા માલના ભાવ કરતા ઓર્ગેનિક ગોળનું વેચાણ કરી મિતેશ પટેલ સારી એવી આવક મેળવી રહ્યા છે. આજે જ્યારે આત્મનિર્ભર ખેડૂતની ચર્ચાઓ થઇ રહી છે, ત્યારે મિતેશ પટેલે સાચા અર્થમાં આત્મનિર્ભર બની અન્ય ખેડૂતો માટે નવો ચીલો ચીતર્યો છે.