અરવલ્લીઃ જિલ્લાના ભિલોડા તાલુકામાં આવેલા સુનોખ ગામે ખેતરમાંથી પસાર થતી વીજલાઈન અચાનક ખેડૂત પર પડતા ઘટના સ્થળે જ મોત થયુ હતું. આ ઘટનાની જાણ થતા વીજ તંત્રના અધિકારીઓ અને પોલીસ ઘટના સ્થળે પહોંચ્યા હતા. પોલીસે ખેડૂતના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકામાં આવેલા સુનોખ ગામના કચરા ડાભી નામનો ખેડૂત ખેતરમાં ખેતી કામ કરી રહ્યો હતો. આ દરમિયાન ખેતરમાંથી પસાર થતી વીજ લાઈનનો વીજ તાર કચરાભાઈ પર અચાનક તૂટી પડ્યો હતો. જેથી તેમને વીજ કરંટ લાગતા ઘટના સ્થળે ઢળી પડ્યા હતા.
ખેડૂતનું વીજ કરંટથી મોત થતા પરિવારજનોમાં અને ગામમાં ગમગીની છવાઇ ગઈ હતી. વીજ તંત્રની બેદરકારીના પગલે ખેડૂતએ જીવ ગુમાવ્યો હોવાથી લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર ખેતરોમાં નીચે લટકી રહેલા વીજ તાર અંગે વારંવાર રજૂઆત કરવા છતાં સમારકામ કરવામાં આવ્યુ નથી. જે કારણે આ વીજ તાર તુટી પડ્યો હતો અને તંત્રના પાપે એક નિર્દોષ ખેડૂતે જીવ ગુમાવ્યો છે.