- બાયડમાં નકલી ચૂંટણી કાર્ડ બનાવવાના રેકેટનો પર્દાફાશ
- પ્રાન્ત અધિકારીની ઓફિસમાં જ રૂ. 200માં મળતું હતું ચૂંટણી કાર્ડ
- કમ્પ્યૂટર ઓપરેટર પૈસા લઈ કાઢી આપતો હતો ચૂંટણી કાર્ડ
- પોલીસે કમ્પ્યુટર ઓપરેટર સહિત 3 સામે નોંધી ફરિયાદ
બાયડઃ આ અંગેની પોલીસ ફરિયાદ અનુસાર, ત્રણ માસ અગાઉ બાયડ તાલુકાના નવા પ્રતાપપુરા ડેમાઈ ગામના મેહુલકુમાર મણિસિંહ ઝાલાને તેમની પત્ની આરતીબેનનું ચૂંટણી કાર્ડ કઢાવવું હતું. એટલે તેણે છભૌ ગામના નીલેશ પ્રતાપભાઈ પરમારનો સંપર્ક કર્યો હતો. નીલેશે મેહુલ કુમારનો સંપર્ક બાયડ પ્રાંત કચેરીમાં કમ્પ્યુટર ઓપરેટર રાકેશ સોલંકી સાથે કરાવ્યો હતો. મેહુલ ઝાલાએ નીલેશની હાજરીમાં રાકેશને તેમની પત્નીનો ફોટો અને એલસીની નકલ તેમ જ માગ્યા મુજબ રૂ. 200 આપ્યા હતા. રાકેશે માત્ર 6 દિવસમાં કલર ચૂંટણી કાર્ડ કાઢી આપ્યું હતું, જેના પાછળના ભાગે પ્રાન્ત અધિકારી બાયડના સહી અને સિક્કા પણ હતા. મેહુલ તેની પત્નીનું ઝાલા તેની પત્નીનું ચૂંટણી કાર્ડ લઈ બાયડ મામલતદાર કચેરીએ પીવીસી એપીક કાર્ડ કઢાવવા જતા નકલી ચૂંટણી કાર્ડ કૌભાંડનો પર્દાફાશ થયો હતો.
પ્રાન્ત અધિકારી બાયડ કચેરીમાં કામ કરતા ઓપરેટરે અગાઉ પણ EPIC કાર્ડ કાઢી આપ્યા હોવાનું બહાર આવ્યું હતું
મદદનીશ ચૂંટણી અધિકારીએ ત્રણેય આરોપીઓની પૂછપરછ કરતા નીલેશ સોલંકીએ અગાઉ પણ રાકેશ સોલંકી મારફતે ચૂંટણી કાર્ડ કઢાવ્યા હોવાનું બહાર આવ્યું હતું. જોકે, પ્રાન્ત કચેરીમાં ફરજ બજાવતા રાકેશ સોલંકી આ બાબતે અજાણ હોવાનું જણાવ્યું છે. બાયડ મદદનીશ ચૂંટણી અધિકારી કે. બી. સોલંકીએ રાકેશસિંહ મોહનસિંહ સોલંકી, મેહુલકુમાર મણિસિંહ ઝાલા અને નીલેશ પ્રતાપભાઈ પરમાર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.