અરવલ્લી : મોડાસામાં કોરોનાના ૩૭ કેસ તેમજ ચાર લોકોના મોતને પગલે સામાન્ય લોકોના પગ ધ્રુજી ઉઠે છે, ત્યારે પોતાના ઉદરમાં ઉછરતા પાંચ માસના ગર્ભ સાથે લોકોને કોરોનાથી બચાવવાનું કામ મોડાસા તાલુકા આરોગ્ય કેન્દ્રની હેલ્થ વર્કર રોશની પંડ્યા કરી રહી છે.
જિલ્લામાં કોરોનાનો પ્રભાવ ગામથી લઇ શહેર સુધી એવો વિસ્તર્યો છે કે કુલ ૧૧૮ લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. જેમાં ફક્ત મોડાસા શહેરમાં જ ૩૭થી વધુ કોરોના પોઝીટીવના કેસ નોંધાયા છે. જેને લઇ વહીવટી તંત્ર દ્વારા કન્ટેનમેન્ટ વિસ્તાર જાહેર કરાયા હોય તેવા વિસ્તારમાં માત્ર જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓ તેમજ આવશ્યક સેવાઓ સિવાય અન્ય તમામ પર પ્રતિબંધ લાદી દીધો છે, ત્યારે આ સમયમાં સૌથી મોટી જવાબદારી આરોગ્ય વિભાગ પર આવી જાય છે, આવા કોરોના પ્રભાવિત વિસ્તારમાં અન્ય લોકો સંક્રમિત ન થાય તે માટે આરોગ્ય સર્વે હાથ ધરાઇ છે અને આ સર્વે માટે જીવનું જોખમ માથે લઇ હેલ્થ વર્કર્સ પોતાની ફરજ બજાવે છે.
કોરોના સંક્રમણનું જોખમ વૃધ્ધો, બાળકો અને સર્ગભા મહિલાઓ પર વધુ હોય છે, ત્યારે કન્ટેન્મેન્ટ વિસ્તારમાં હેલ્થ સ્ક્રિનિંગ કરી રહેેલી ૨૪ વર્ષિય સગર્ભા રોશની કહે છે કે તે બે વર્ષ અગાઉ જ આ નોકરીમાં જોડાઇ હતી.
''અત્યારના આ કોરોના મહામારીના સમયમાં જો બધા જ ઘરમાં રહીશું તો કોઇએ તો આગળ આવવું પડશે ને, જયારે અરવલ્લી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારો પણ કોરોનાની અસરમાં આવી ગયા છે, ત્યારે મારા પતિ પણ એક આરોગ્ય કાર્યકર તરીકે ભિલોડા તાલુકામાં કામ કરી રહ્યા છે, તેમની પણ સર્વેની કામગીરી સતત ચાલુ હોવાથી અમારે પતિ-પત્નીને સાથે રહેવુ અશક્ય હતું.
કોરોનાની શરૂઆતના તબક્કેથી જ અમે ધોરણ-૧૦ અને ૧૨ના પરીક્ષાર્થીઓનું થર્મલ સ્કિનિંગથી લઈને લોકોને હોમ ક્વોરેન્ટાઇન કરવા સુધી તેમજ સર્ગભા મહિલાઓના સર્વે અને હેલ્થ એજ્યુકેશન આપવાનું કામ કર્યુ જેના પરિણામે પ્રથમ તબક્કામાં ઓછા કેસ નોંધાયા હતા.''