મોડાસા: મોડાસાના ભિલોડામાં ગળે ફાંસો ખાધેલી હાલતમાં તલાટીનો મૃતદેહ મળી આવ્યો છે. પોલીસે આ અંગે તપાસ શરુ કરી છે. જો કે પરિવારજનોએ હત્યાનો આક્ષેપ લગાડ્યો છે. મોડાસાના ભિલોડા તાલુકાના ઓડ ગામના અને ભેટાલી ગ્રામ પંચાયતમાં નિયમિત અને વાંકાનેર ગ્રામ પંચાયતમાં ચાર્જ ધરાવતા તલાટી મહેન્દ્રભાઈ જીવાજી અસારીની વાંકાનેર પંચાયતમાં પંખામાં દોરીથી ગળે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળતા ચકચાર મચી હતી.
મૃતક તલાટીના પરિવારજનો અને સમાજના લોકો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ભિલોડા તાલુકા પંચાયત કચેરીમાં ફરજ બજાવતા એ.ટી.ડી.ઓ રાકેશ પટેલે ગ્રામ પંચાયતમાં જ તલાટીની હત્યા કરી હોવાનો આક્ષેપ કર્યો હતો.
પરિવારજનોએ એ.ટી.ડી.ઓ રાકેશ પટેલ સામે ગુન્હો ન નોંધાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો. આખરે ભિલોડા પોલીસે મૃતક તલાટીની પત્ની કૈલાશબેન મહિન્દ્રભાઈ અસારીની ફરિયાદના આધારે તાલુકા પંચાયત ભિલોડામાં એ.ટી.ડી.ઓ તરીકે ફરજ બજાવતા રાકેશ પટેલ વિરુદ્ધ કલમ-302 તથા એટ્રોસિટી એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
જો કે, મૃતક પાસેથી મળી આવેલી સુસાઇડ નોટમાં જણાવ્યુ છે કે મૃતક પંચાયતના કામના ભારણના કારણે આત્મહત્યા કરી છે . પોલિસને મૃતક પાસેથી એક ખાનગી ડાયરી પણ હાથ લાગી છે જે પોલિસે ફોરેન્સિકમાં મોકલી આપી છે.