- રાજ્યમાં વધી રહ્યું છે સાયબર ક્રાઇમનું પ્રમાણ
- અપરાધીઓ સોશિયલ મીડિયાનો દૂરઉપયોગ કરી આચરે છે છેતરપીંડી
- અપરાધીઓ પોલીસને પણ ફેંકી રહ્યા છે પડકાર
- એક સાયબર અપરાધીએ અરવલ્લીના SPનું બનાવ્યું ફેક એકાઉન્ટ
- SPનું ફેક એકાઉન્ટ બનાવી તેમના સગા સંબંધીઓ પાસેથી કરી રૂપિયાની માગણી
અરવલ્લીઃ દેશ અને દુનિયામાં લાખો સામાન્ય વ્યક્તિઓ રોજ સાઇબર ક્રાઇમનો ભોગ બની રહ્યા છે. ત્યારે અરવલ્લી જિલ્લાના નવનિયુક્ત SPનું ફેક ફેસબુક એકાઉન્ટ બનાવી તેમના મિત્રો અને સંબધીઓ પાસેથી પૈસાની માંગણી કરતા જિલ્લા પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે.
અરવલ્લી જિલ્લામાં તાજેતરમાં નિયુક્ત થયેલા SP સંજય ખરાતના નામે અજાણ્યા સાયબર ગઠિયાએ ફેક ફેસબુક એકાઉન્ટ બનાવી તેમના ઘણા બધા મિત્રો સહિત સંબંધીઓને રિક્વેસ્ટ મોકલી અને મેસેજ પણ કર્યા છે. જેમાં કેટલાંક લોકોને મેસેજ કરી ગુગલ-પે અને પેટીએમ દ્વારા પૈસા મોકલવા પણ કહેવામાં આવ્યું હતું.
આ ઉપરાંત રાજ્યના નિવૃત્ત IPS અધિકારી ધર્મેન્દ્રસિંહ વાઘેલાનું પણ ફેક એકાઉન્ટ બનાવ્યું હોવાનું બહાર આવ્યું છે. SP સંજય ખરાતે ફેસબુકની મુખ્ય ઓફિસમાં જાણ કરી તાત્કાલીક એકાઉન્ટ બ્લોક કરાવી દીધું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સંજય ખરાત નામનું કોઈ અજાણ્યા શખ્શે ફેસબુક એકાઉન્ટ બનાવી તેમના પિતાને રિક્વેસ્ટ મોકલતા તેમના પિતાએ સંજયને જાણ કરી હતી. ત્યાર બાદ SP ખરાતે તેમના ઓરિજીનલ ફેસબુક એકાઉન્ટ પર ફેક એકાઉન્ટનો ફોટો મૂકી અને પોસ્ટ લખી હતી કે, મારા નામે કોઇ ફ્રોડ એકાઉન્ટ શરૂ કર્યુ છે. તે મારા નામ પર નાણાં કે વસ્તુ માંગી શકે છે. અરવલ્લી SPએ સાયબર ક્રાઈમમાં અરજી આપી વધુ કાર્યવાહી હાથ ધરી છે.