અરવલ્લી : બાયડ તાલુકાના તેનપુર ગામના 25 વર્ષીય પ્રિતેશ નરેશભાઈ પટેલ નામના યુવકને શરદી-ખાંસી તાવ જણાતા તેના પિતા ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ ગયા હતા. યુવકમાં શંકાસ્પદ કોરોનાના લક્ષણો જણાતા તકેદારીના ભાગરૂપે યુવકનો કોરોનાનો રિપોર્ટ કરાવ્યો હતો. પિતા-પુત્ર કોરોના પરીક્ષણ માટે સેમ્પલ આપી તેનપુર પરત આવી ગયા હતા. ગુરુવારે યુવકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા સિવિલ હોસ્પિટલે બાયડ આરોગ્ય તંત્રને જાણ કરતા આરોગ્ય તંત્રની ટીમ એમ્બ્યુલન્સ સાથે યુવકના ઘરે પહોંચી યુવક અને તેના માતા-પિતાને વાત્રક કોવિડ હોસ્પિટલમાં ખસેડાયા હતા.
જો કે, યુવકને કોરોનાનો ચેપ કઈ રીતે લાગ્યો તેમજ યુવકની ટ્રાવેલ હિસ્ટ્રી છે કે નહિ તે અંગે જાણકારી મેળવવા તજવીજ હાથધરી તેનપુર ગામમાં સર્વેની કામગીરી હાથધરી છે.
બાયડ તાલુકાના તેનપુર ગામમાં COVID-19નો કેસ મળી આવતા બાયડ તાલુકાના તેનપુર ગામને 5 કિ.મિ ત્રિજ્યામાં આવેલા વિસ્તારને બફરઝોન વિસ્તાર COVID-19 નિયત્રિંત વિસ્તાર તરીકે જાહેર કરવામાં આવેલો છે. જયારે 5 કિ.મી વિસ્તારને બફર ઝોન જાહેર કરેલો છે.
આ વિસ્તારના એન્ટ્રી અને એક્ઝીટ પોઇન્ટ પર થર્મલ સ્ક્રીનીંગ, વિસ્તારને આવરી લેતા મુખ્ય માર્ગો પર ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તબીબી સેવાઓ, કાયદો અને વ્યવસ્થા સંબંધિત ફરજો સહિતની આવશ્યક સેવાઓ અને સરકારી વ્યવસ્થાપનની સાતત્યતા જાળવવા સિવાયની પરવાનગી વગર વસ્તીની આવાન-જાવનની પ્રવૃતિઓ પર જરૂરી નિયંત્રણો મૂક્યા છે.