મોડાસાઃ અરવલ્લી જિલ્લામાં ઉતરાયણના દિવસે દોરીથી ઇજાગ્રસ્ત પક્ષીઓની સારવાર મોડાસા ખાતે આવેલી વન વિભાગની ઓફિસ ખાતે કરવામાં આવી હતી. પક્ષીઓની સારવાર કરી ઉડાડી મુકવામાં આવ્યા હતા અને વધુ ઘાયલ પક્ષીઓને વન વિભાગની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા હતા.
ઇજાગ્રસ્ત પક્ષીઓને ત્વરીત સારવાર મળે તે માટે સમગ્ર દિવસ દરમિયાન સેવા આપી
ઉતરાયણના દિવસે લોકો પતંગ ઉડવવાની મજા માણતા હોય છે, પરંતુ પક્ષીઓ માટે આકાશમાં ઉડવુ આફતરૂપ સાબિત થાય છે. ઉતરાયણના દિવસે દોરીથી ઇજાગ્રસ્ત પક્ષીઓ મોતને ભેટે છે અથવા તો સારવાર વિના કણસે છે. જોકે અરવલ્લીમાં કરૂણા હેલ્પલાઇન, દયા ફાઉન્ડેશન અને જિલ્લા વન વિભાગ દ્રારા ઇજાગ્રસ્ત પક્ષીઓને ત્વરીત સારવાર મળે તે માટે સમગ્ર દિવસ દરમિયાન સેવા આપી હતી. આવા પક્ષીઓને સારવાર આપી સાજા થયેલા પક્ષીઓને ઉડાડી મુકવામાં આવ્યા હતા, જ્યારે ગંભીર ઇજાગ્રસ્ત પક્ષીઓને વન વિભાગના નિરીક્ષણ હેઠળ થોડા દિવસ સુધી સારવાર માટે રાખવામાં આવશે.
મોડાસામાં 11 ઇજાગ્રસ્ત પક્ષીઓને સારવાર આપવામાં આવી હતી
ઇજાગ્રસ્ત પક્ષીઓમાં મુખ્યત્વે કબુતર હતા, જ્યારે એક કાળી કાકણસાર પણ પતંગના માંજાથી ઘવાઇ હતી. અરવલ્લી જિલ્લાના મોડાસામાં 11 ઘાયલ પક્ષીઓને સારવાર આપવામાં આવી હતી.