અરવલ્લીઃ જિલ્લાના તમામ તાલુકા અને નગરોમાં રખડતા પશુઓની સમસ્યાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. જિલ્લાના નગરોના મોટા ભાગના મુખ્ય માર્ગો પર પશુઓ અંડીગો જમાવી બેસી રહે છે. જેથી ટ્રાફિકની સમસ્યા સર્જાય છે. માર્ગમાં રખડતા પશુઓ પોલીસ માટે માથાનો દુખાવો સાબિત થઇ રહ્યા છે, ત્યારે રખડતા પશુઓના પગલે અકસ્માતની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થતા ભિલોડા પીએસઆઈ કે.કે.રાજપૂતે ભિલોડા ગ્રામ પંચાયતને નોટિસ આપી છે.
નગરના માર્ગો પર રખડતા ઢોરની સમસ્યાનો તાત્કાલિક નિકાલ લાવવા રખડતા પશુઓને પાંજરે પોળ મોકલી આપવા સૂચન કર્યુ છે. નોટિસમાં જણાવ્યું છે કે, ભિલોડા ટાઉન વિસ્તારમાં રોડ પર રખડતા ઢોર તેમજ રોડ પર ગાય બેસી રહેતી હોવાથી અકસ્માત થવાની શક્યતા રહે છે, ત્યારે સત્વરે ઢોર માલિકોને જાણ કરી રખડતા ઢોરને પોતાના ઘરે બાંધી રાખી નગરના માર્ગો પર રખડતી જોવા મળશે. તો ઇડર પાંજરાપોળ મોકલી આપવા કાર્યવાહી કરવાની તાકીદ કરી છે.