આ પ્રસંગે જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે, આ વકતૃત્વ સ્પર્ધા બાળકોમાં રહેલી સુશુપ્ત શકિત બહાર લાવવાનું કામ કરે છે અને અન્ય બાળકો માહિતગાર બને છે. હાલની સ્થિતિએ પુરૂષો કરતા મહિલાઓ દરેક ક્ષેત્રે આગળ વધી રહી છે.
વધુમાં કલેક્ટરે ભૃણહત્યા અટકાવવા અંગે લીધેલા પગલાની વિસ્તૃત માહિતી આપીને સમાજમાં દીકરીનું મહત્વ સમજાવ્યું હતું. સમાજમાં રહેલા કુરીવાજોને જાકારો આપવા સૌ સમાજે એક થવુ પડશે એવી વિનંતી કરી હતી.
આ કાર્યક્રમમાં "બેટી બચાવો-બેટી પઢાઓ" વિષય પર વકતૃત્વ સ્પર્ધામાં જુદી-જુદી 10થી વધુ શાળાના બાળકોએ ભાગ લીધો હતો. સ્પર્ધામાં પ્રથમ, બીજા અને ત્રીજા ક્રમે આવનાર બાળકોને કલેક્ટર તથા મહાનુભાવોના હસ્તે ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું તથા જવાહર નવોદય વિદ્યાલય ખાતે અરવલ્લી જિલ્લા કલેક્ટર તથા મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.