અરવલ્લીઃ લોકડાઉનને આંશિક ખોલવામાં આવતા હવે બેંકોમાં ભીડ જામવાની શરૂ થઇ ગઇ છે. ત્યારે અરવલ્લી જિલ્લા પોલીસ વડા મયુર પાટીલે જિલ્લાની કેટલીક બેંકોનું નિરિક્ષણ કરી જરૂરી સુચનો કર્યા હતા.
જેમાં ખાસ કરીને મોડાસા ચાર રસ્તાએ આવેલી સ્ટેટ બેંક, એક્સિસ બેંક અને ધનસુરા ખાતે આવેલી બેંક ઓફ બરોડાની મુલાકાત લઈ સોશિયલ ડિસ્ટન્સ જાળવવા બેંકના અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. તેમ જ બેંકની કામગીરી અર્થે આવતા ગ્રાહકોમાં ચુસ્તપણે સોશિયલ ડિસ્ટન્સ જળવાય તેવી સુવિધા ઉભી કરવા તાકીદ કરી હતી.
અરવલ્લી જિલ્લા પોલીસવડા મયુર પાટીલે જણાવ્યું હતું કે, કેટલીક બેંકોમાં ગ્રાહકો દરમિયાન સોશિયલ ડિસન્ટન્સ જળવાતુ નથી. તે વાતને ધ્યાને લઇ વિવિધ બેંકની મુલાકાત લીધી હતી. એસ.પી મયુર પાટીલે મોડાસા શહેરની ચાર રસ્તા નજીક આવેલી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની મુલાકાત લઇ અધિકારીઓ સાથે સોશિયલ ડિસ્ટન્સ વિષેની ચર્ચા કરી હતી.
આ ઉપરાંત બેંકમાં ફરજ બજાવતા ચોકીદાર પણ ગ્રાહકોમાં સોશિયલ ડિસ્ટન્સની અમલવારી કરાવે તેમજ જરૂર પડે તો સોશિયલ ડિસ્ટન્સ જાળવવા પોલીસકર્મીઓની પણ મદદ લઇ શકે છે તેવુ સુચન કર્યુ હતુ.