- અરવલ્લી એલસીબીએ 1.08 લાખનો દારૂનો જથ્થો પકડ્યો
- ફ્રૂટની કેરેટમાં સંતાડીને લાવતા દારૂને પોલીસે પકડી પાડ્યો
- પોલીસે મોડાસા-શામળાજી હાઈવે પર વોચ ગોઠવી હતી
- રાજસ્થાન તરફથી આવતા વાહનોના ચેકિંગ વખતે પકડાયો દારૂ
અરવલ્લી : જિલ્લાની એલસીબીએ અમદાવાદ ગ્યાસપુરના ત્રણ બુટલેગરોને વિદેશી દારૂ સાથે ઝડપી પાડ્યા હતા. આ બુટલેગરો ટેમ્પામાં કેરેટની આડમાં વિદેશી દારૂ સંતાડીને લાવી રહ્યા હતા. એલસીબીએ સંતાડેલા 1.08 લાખની ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો. પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવતા બુટલેગરો ગાજણ ટોલ પ્લાઝા નજીક પોલીસના હાથે ઝડપાયા હતા.
પોલીસે 216 નંગ વિદેશી દારૂનો જથ્થો કર્યો જપ્ત
અરવલ્લી એલસીબીએ અમદાવાદના ત્રણ બુટલેગરોને 1.08 લાખના દારૂ સાથે દબોચી લીધા હતા. બુટલેગરો ફ્રૂટના કેરેટની આડમાં સંતાડીને રૂ. 1.08 લાખનો 216 નંગ બોટલ વિદેશી દારૂ લાવી રહ્યા હતા. અરવલ્લી જિલ્લાની એલસીબી પોલીસની ટીમે બતામીના આધારે, મોડાસા-શામળાજી હાઈવે પર ગાજણ ટોલપ્લાઝા નજીક વોચ ગોઠવી હતી. આ દરમિયાન રાજસ્થાન તરફથી આવતા વાહનોનું સઘન ચેકીંગ હાથ ધરાતા ટેમ્પો ટ્રકની શંકાસ્પદ ઝડપને પગલે અટકાવ્યો હતો. ટેમ્પામાં તપાસ કરતા તેમાં ફ્રૂટના કેરેટમાં દારૂ સંતાડેલો હતો. ત્રણે બુટલેગરો વિરુદ્ધ મોડાસા ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો. પોલીસે ગ્યાસપુર અમદાવાદના ટ્રક ચાલક મોહમ્મદ યુસુફ, મોહમ્મદ ઐયુબ શેખ, મોહમ્મદ રઝાક ફરીદ સિપાઈ અને મોહમ્મદ નવાઝ, મોહમ્મદ સબ્બીર અન્સારીની ધરપકડ કરી હતી. આ સાથે પોલીસે ટેમ્પો ટ્રક, ચાર મોબાઈલ, ખાલી કેરેટ અને વિદેશી દારૂ મળી કુલ રૂ. 6,16,800નો જથ્થો જપ્ત કર્યો હતો. પોલીસે ત્રણે બુટલેગરો વિરુદ્ધ મોડાસા ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.