અરવલ્લીઃ મોડાસાની કૉવિડ હૉસ્પિટલમાં કામ કરતાં સફાઇકર્મીઓની જરૂરિયાત પૂરી થતાં છૂટી કરી દેવામાં આવ્યાં છે, જેમને પરત લેવા માટે અરવલ્લી જિલ્લા કલેક્ટરને આવેદનપત્રપત્ર આપવામાં આવ્યું હતું.
કોરોના વાયરસની મહામારીમાં મોડાસા કોવિડ હૉસ્પિટલ માટે સફાઇ કામદારોની જરૂરત ઉભી થઇ હતી. સફાઇ કામદારોના આઉટ સોર્સીંગ કોન્ટ્રાકટર રાજદીપ એન્ટરપ્રાઇઝ દ્વારા કેટલાક સફાઇ કામદારોને કાયમી નોકરીની વાયદો કરી ભરતી કરવામાં આવ્યાં હતાં. ભરતી કર્યા બાદ સફાઇ કામદારોએ કોરોના મહામારીમાં ત્રણ મહિના સુધી કામ કર્યું, પણ જરૂરિયાત પુરી થતાં તેઓને છૂટાં કરી દેવાયાં છે. કોવિડ હૉસ્પિટલમાંથી છૂટાં કરાયેલા કર્મચારીઓને પરત લેવાની માગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું છે.
વાલ્મિકી સંગઠનના પ્રમુખ લાલજી ભગતે આક્ષેપ કર્યો છે કે, સફાઇ કર્મચારીઓને ત્રણ મહિનાનો ઑર્ડર કરવામાં આવ્યો ત્યારે તેઓને મૌખિક કહેવાયું હતું કે, ત્રણ મહિના પૂરાં થયા પછી તેઓને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સમાવી લેવામાં આવશે. જોકે જરૂરિયાત પૂરી થતાં સફાઇ કામદારોને છૂટાં કરી દેવામાં આવ્યાં છે જે યોગ્ય નથી. સફાઇકામદારો પરત લેવામાં નહીં આવે તો આદોલન કરવાની ફરજ પડશે.