અરવલ્લીઃ જિલ્લાના મોડાસા નગરની નાલંદા-2 સોસાયટીમાં સોમવારની રાત્રીએ પાલિકા દ્વારા સંચાલીત સ્ટ્રીટ લાઇટનો વાયર છૂટો પડી જતા એક લાઇનમાં આવેલા 15 મકાનોમાં વિજ પ્રવાહ ઉતર્યો હતો.
આ દરમિયાન મોડાસા પ્રાથમિક શાળા નં-2માં શિક્ષક તરીક ફરજ બજાવતા મૌલીકભાઈ પટેલને તેમના બાજુના મકાનમાં શોર્ટ સર્કિટ થઇ છે, તેવું જણાતા તરત જ તેઓ ત્યાં પહોંચી ગયા હતા. મકાન માલિક ઘરે ન દેખાતા તેઓ આંગણમાં પડેલી એક્ટિવા, વોશીંગ મશીન અને લોખંડના તાર પર સુકવેલા કપડાને નુકસાન ન થાય તે માટે બધુ સમેટવા લાગ્યા હતા. જો કે, કપડા સુકવેલા લોંખડના તાર પર હાથ લગાડતા જ તેમને શોક લાગ્યો હતો અને સ્થળ પર તેમનું મોત નિપજ્યું હતું. તેમને બચાવવા જતા તેમની પત્ની અને દિકરાને પણ શોક લાગ્યો હતો, જો કે તેમનો આબાદ બચાવ થયો હતો.
રહિશોના જણાવ્યાં અનુસાર રહેણાંક સોસાયટીની સ્ટ્રીટ લાઇટનું તમામ વાયરીંગ અંડર ગ્રાઉંડ હોવા છતાં પાલિકાના વાયરમેન જ્યારે કોઇ ખામી સર્જાય તો અંડર ગ્રાઉંડ રીપેરીંગ કરવાના બદલે તે લાઇનને ઓવર હેડ કરી નાંખે છે. સોમવારે આવી જ એક ઓવર હેડ લાઇન એક મકાનના પતરાના સેડ સાથે અડકેલી હતી. જેમાં વરસાદના કારણે કે કોઇ અન્ય કારણસર વિજ પ્રવાહ ચાલુ થઇ ગયો હતો, જેમાં એક આશસ્પદ યુવાને પોતાનો જીવ ગુમાવ્યો હતો.