સરકારી નોકરી સૌને ગમે પરંતુ પોતાના બાળકને સરકારી શાળામાં અભ્યાસ કરાવવાનું ભાગ્યે જ કોઈને ગમતું હોય છે. સરકારી શાળા એટલે ગરીબોની શાળા. આવી માનસિકતા લોકોના મનમાં ઘર કરી ગઇ છે. વળી, સરકારી તંત્રની બેદરકારીના કારણે સરકારી શાળાના લબાડ શિક્ષણ વ્યવસ્થાની કિસ્સાઓની ભરમાર જોવા મળે. એટલે કોઇ વ્યક્તિ પોતાના બાળકને સરકારી શાળામાં ભણાવવા ઇચ્છતા નથી. ગરીબ વર્ગ પણ પોતાના બાળકોને સરકારી શાળામાં મોકલવાને બદલે મજૂરએ મોકલવાનું વધુ પસંદ કરે છે. આવી માનસિકતા વચ્ચે સાકરીયા ગામની સરકારી શાળાએ લોકોને પોતાના વિચારો બદલવા પર મજબૂર કરી દીધા છે.
એક તરફ ખાનગી શાળાઓનો વેપાર વધી રહ્યો છે. તો બીજી તરફ સરકારી શાળાઓને તાળાં વાગી રહ્યાં છે. ત્યારે સાકરીયા ગામની સરકારી શાળાએ લોકોની માનસિકતા બદલવાનો પ્રયાસ કર્યો છે. આ શાળાનો અભ્યાસ, શિક્ષકોને ભણાવવાની રીત અને શાળાના સુંદર અને રળિયામણા વાતાવરણથી પ્રભાવિત થઈ લોકો પોતાના બાળકોને આ શાળામાં પ્રેવશ અપાવી રહ્યાં છે. આ વર્ષે મોડાસાની ખાનગી શાળામાં અભ્યાસ કરતાં 30 બાળકોએ પ્રવેશ લીધો છે.
કુદરતી સાનિધ્ય અને શાંત વાતાવરણમાં આ શાળામાં ધોરણ 1 થી 8 ના 293 બાળકો અભ્યાસ કરે છે . બાળકોને જ્ઞાન સાથે ગમ્મત થકી અભ્યાસ કરાવવામાં આવે છે . એટલું જ નહીં શાળાની તમામ દીવાલો પર અભ્યાસને લગતા ચિત્રો તૈયાર કરવામાં આવ્યા છે . જેથી બાળકો રમતા રમતા પણ જ્ઞાન વધારો કરી શકે છે. આધુનિક જમાનાના ખાનગી શાળા સાથે તાલ મિલાવવા આ શાળાનું એક ફેસબુક પેજ પણ છે. જેના પર શાળામાં ચાલતી વિવિધ પ્રવૃત્તિઓ અંગે જાણકારી પ્રસિદ્ધ કરાય છે જેથી વાલીઓ તેમજ ગામના લોકો શાળાકીય પ્રવૃત્તિ થી સતત માહિતગાર રહે છે .
શાળામાં સપ્તાહમાં એકવાર બાળસભાનું આયોજન કરવામાં આવે છે સાથે જ નવોદય વિદ્યાલય માં ભણવા ઇચ્છતા વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે તેમજ પર્યાવરણ લક્ષી વિવિધ પ્રવૃતિઓ પણ શાળામાં કરાય છે. આસપાસના ગામના લોકો પહેલા મોડાસાની વિવિધ શાળાઓમાં તેમના બાળકોને પ્રવેશ અપાવતા હતા. જો કે, સરકારી શાળામાં ચાલતી વિવિધ પ્રવૃત્તિઓ વાલીઓને અહીં શાળાના બાળકોને પ્રવેશ માટે આ આકર્ષી લાવે છે. જેથી વાલીઓ પણ શહેરમાં દૂર અભ્યાસ અર્થે મોકલવા કરતા ગામની શાળામાં મોકલવા વધુ પસંદ કરી રહ્યા છે. ત્યારે સંતરામપુર ખાતે district institute of education and training માં ફરજ બજાવતા કર્મચારી એ પણ તેમના સંતાનને સાકરીયાની પ્રાથમિક શાળામાં અભ્યાસ અર્થે મૂકી અનોખો સંદેશ આપ્યો છે .