અરવલ્લી: જિલ્લામાં સોમવારના રોજ કોરોનાના દસ વધુ પોઝિટિવ કેસ નોંધાતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો. જિલ્લામાં કુલ કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 229 પર પહોંચી છે. જે પૈકી 162 દર્દીની સારવાર પૂર્ણ થતાં તેઓને હોસ્પિટલ માંથી રજા આપવામાં આવી છે. જયારે 20 દર્દીના મૃત્યું થયા છે.
સોમવારે મળેલા 10 કેસમાં મહત્વની બાબત એ છે કે દારૂના ગુનાના પોલીસે પકડેલા બે આરોપી કોરીના પોઝિટિવ નોંધાયા છે. મોડાસાના સર્વોદય નગરના રામ અને શ્યામ સગા ભાઈઓ દારૂના ગુનામાં ફરાર હતા. આ આરોપીઓની મોડાસા ટાઉન પોલીસે બે દિવસ અગાઉ ધડપકડ કરી હતી જેઓના સેમ્પલ લેવામાં આવતા રીપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. બંને આરોપીઓને સારવાર માટે મોડાસાની કોવિડ હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા છે જ્યારે આરોપીઓના સંપર્કમાં આવેલા પોલીસ કર્મીઓના પણ સેમ્પલ લાવામાં આવશે તેવુ ટાઉન પીઆઇ વાધેલાએ જણાવ્યુ હતું.
હાલમાં વાત્રક કોવિડ હોસ્પિટલ આઈસોલેશનમાં ચાર તેમજ મોડાસા સાર્વજનિક હોસ્પિટલ આઇસોલેશનમાં 21 પોઝિટિવ દર્દી સારવાર હેઠળ છે. તેમજ અરવલ્લી જિલ્લાના 13 પોઝિટિવ કેસ હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં, એક કેસ મેડીસ્ટાર હિંમતનગર,અમદાવાદની હોસ્પિટલમાં પાંચ તેમજ ગાંધીનગરની હોસ્પિટલમાં એક સારવાર હેઠળ છે. આમ,કુલ-48 પોઝિટિવ દર્દી સારવાર હેઠળ છે.