- આણંદના એકલવ્યએ કર્યું જિલ્લાનું નામ રોશન
- રાજ્યકક્ષાની રાઇફલ શૂટિંગ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો
- આયુષ પટેલે જાતે જ પ્રેક્ટિસ કરીને મેળવી સફળતા
આણંદ: અમદાવાદ ખાતે 25 ફેબ્રુઆરીથી 9 માર્ચ દરમિયાન 56મી ગુજરાત સ્ટેટ શૂટિંગ ચેમ્પિયનશીપનું આયોજન ગુજરાત રાજ્ય રાઇફલ એસોસિએશનના નેજા હેઠળ કરવામાં આવ્યું હતું. આ શૂટિંગ સ્પર્ધામાં આણંદ તાલુકાના જીટોડીયા ગામે આવેલા અરિહંત પાર્ક સોસાયટીમાં રહેતા આયુુષ જયેશભાઈ પટેલે ભાગ લઈને ઉતકૃષ્ટ દેખાવ કર્યો હતો. આયુષ પટેલે 400માંથી 388 સ્કોર મેળવીને ત્રીજા ક્રમાંક પર બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે.
પ્રિ.નેશનલ શૂટિંગ સ્પર્ધમાં પણ કરાઈ પસંદગી
ગુજરાત સ્ટેટ શૂટિંગ ચેમ્પિયનશીપમાં ત્રીજુ સ્થાન હાંસલ કરીને આયુષ પટેલે આણંદ જિલ્લાનું નામ રાજ્યકક્ષાએ રોશન કર્યુ છે. મહત્વનું છે કે, આયુષ પટેલની પ્રિ.નેશનલ શૂટિંગ સ્પર્ધમાં ભાગ લેવા માટે પણ પસંદગી કરાઈ છે. રાજ્યકક્ષાની શૂટિંગ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ મેળવનારા આયુષ પટેલના પિતા જયેશભાઈ રમણભાઈ પટેલ મૂળ આણંદ જિલ્લાના તારાપુર તાલુકામાં આવેલ સીંજીવાડા ગામના વતની છે .તેઓ વ્યવસાયે ખેડૂત છે અને છેલ્લા કેટલાક વખતથી આણંદ શહેર પાસેના જીટોડીયા ગામની અરિહંત પાર્ક સોસાયટીમાં પરિવાર સાથે રહે છે. આયુષના માતા આરતીબેન વ્યવસાયે વકીલ છે. વિજ્ઞાનપ્રવાહમાં સ્નાતક થયેલા આયુષ પટેલે હાલમાં કોઈપણ શૂટિંગ એકેડેમીમાં તાલીમ લીધા વિના જ ઘરે પ્રેક્ટીસ કરી હતી. એકલવ્યવૃત્તિ અને મજબૂત ધ્યેયનિષ્ઠા ધરાવતા આયુષે રમતગમત ક્ષેત્રે કઈ કરી બતાવવાની ધગશ સાથે રાજ્યકક્ષાની શૂટિંગ સ્પર્ધામાં ભાગ લીધો હતો. ઘરે જ અગાસીમાં દૈનિક પ્રેક્ટિસ કરીને રાજ્યકક્ષાની શૂટિંગ સ્પર્ધામાં ઉતકૃષ્ટ દેખાવ કરીને બ્રોન્ઝ મેડલ મેળવીને રાજ્ય કક્ષાએ જિલ્લાનુ તેમજ ગામનુ નામ રોશન કર્યુ છે.