- કેન્દ્રીય પ્રધાન ગિરિરાજ સિંહે લીધી NDDBની મુલાકાત
- મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના પદાધિકારીઓ સાથે ખેડૂતોના હિતમાં કરી ચર્ચા
- બાયોગેસ મોડલ ઝકરિયાપુરા ગામની મુલાકાત લીધી
આણંદ: પશુપાલન અને મત્સ્ય ઉદ્યોગ મંત્રાલયના કેન્દ્રીય પ્રધાન ગિરિરાજ સિંહ આજે આણંદમાં NDDBની મુલાકાત લીધી હતી. જ્યાં અમૂલ ડેરી અને ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના પદાધિકારીઓ સાથે ખેડૂતોના હિતમાં ચર્ચા કરી હતી. સાથે જ બાયોગેસ મોડલ ઝકરિયાપુરા ગામની મુલાકાત લીધી હતી. જ્યાં IVF રિસર્ચ લેબોરેટરીની મુલાકાત કરી આ ક્ષેત્રમાં થઈ રહેલી ક્રાંતિ વિશે વૈજ્ઞાનિકો પાસેથી માહિતી મેળવી હતી.
60 વર્ષથી ઉપરની વયના ખેડૂતોને પેન્શન મળે તેવી યોજના અંગે વિચારણા
દેશમાં ખેડૂતોને પશુપાલન ક્ષેત્રે વધુ પ્રોત્સાહન પૂરું પાડવા માટે આગામી દિવસોમાં વિજ્ઞાન અને ટેકનોલોજી થકી પશુપાલનને કઈ રીતે વધુ વેગવંતુ બનાવી શકાય એ દિશામાં ચર્ચા કરવામાં આવી હતી. સાથે જ કેન્દ્રીય પ્રધાન ગિરિરાજ સિંહે જણાવ્યું કે, દેશમાં અત્યારે 30 કરોડ જેટલા પશુધન છે. જેને IVF ટેકનોલોજીના માધ્યમથી વધુ ગૌવંશની ઓલાદને સુધારવા અંગે ક્રાંતિ લાવવા પ્રયાસો હાથ ધરવામાં આવશે. સાથે જ કેન્દ્રીય પ્રધાને આગામી વર્ષોમાં દેશના 60 વર્ષથી ઉપરની વયના ખેડૂતોને માસિક 3 હજાર રૂપિયા જેટલું માસિક પેન્શન મળે તેની પણ યોજના વિશે સરકારની વિચારણા અંગે માહિતી આપી હતી.
'દેશના 1 હજાર ગામને ગોબરગેસ પ્લાન્ટથી સજ્જ કરવામાં આવશે'
NDDB દ્વારા એક વર્ષ અગાઉ બોરસદના ઝકરિયાપુરા ગામમાં ગોબરગેસ પ્લાન્ટ નાખી એક મોડેલ ગામ બનાવવાની કામગીરી વિશે માહિતી આપતાં કેન્દ્રીય પ્રધાને જણાવ્યું કે, આગામી દિવસોમાં દેશના 1 હજાર જેટલા ગામમાં બોરસદના ઝાકરીયપુરા ગોબરગેસ મોડલને અમલમાં મુકવામાં આવશે અને તેના થકી ગોબરગેસના વપરાશથી 12 ટકા જેટલા LPGના વપરાશમાં ઘટાડો કરવામાં આવશે. સાથે જ દેશમાં નવી 20 લાખ જેટલી રોજગારીની તકો પણ ઉભી કરવામાં આવશે.
'ખેડૂત આગેવાનો સાથે ચર્ચા કરવા માટે સરકાર તૈયાર છે'
દેશમાં ચાલી રહેલા ખેડૂત આંદોલન વિશે ચર્ચા કરતાં કેન્દ્રીય પ્રધાને જણાવ્યું કે, ખેડૂત આંદોલનમાં સરકાર ચરેચા કરવા તૈયાર છે. MSP લાગુ કરવા માટે પણ સરકાર તૈયાર છે અને તે લાગુ કરવામાં આવશે. ખેડૂત આગેવાનો સાથે ચર્ચા કરવા માટે પણ સરકાર તૈયાર છે.