આણંદ : આજે બુધવારે આણંદ ખાતેના ખારોકૂવો, કપાસીયા બજારના 31 વર્ષિય પુરુષ અને ચિખોદરા ખાતે ડૉ. બી.આર. આંબેડકર સોસાયટીના 6 વર્ષિય બાળકનો કોરોના પોઝિટિવ આવતા આણંદ શહેરમાં કોરોનાએ પગપેસારો કર્યો છે. ત્યારે આણંદ જિલ્લામાં કોરોના સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા 116 થઇ જવા પામી છે.
જિલ્લામાં કોરોના સંક્રમણને કારણે 11 દર્દીઓ તેમજ ત્રણ નોન કોવિડ દર્દી મળીને કુલ 14 દર્દીઓના મૃત્યુ નોંધાયા છે.
જિલ્લામાં અત્યારસુધીમાં સીઝનલફલુ / કોરોનાના 3392 દર્દીઓના રિપોર્ટ નેગેટીવ આવ્યા હોવાનું અને કુલ કોવિડ-19ના 3508 સેમ્પલ તપાસ્યા હોવાનું જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ડૉ. શાલિની ભાટીયાએ એક યાદી દ્વારા જણાવ્યું છે.
આજે જિલ્લામાં કોવિડ-19 અંતર્ગત કુલ નવ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. તે પૈકી બે દર્દીઓને કાર્ડીયાક કેર સેન્ટર ખંભાત ખાતે તેમજ પાંચ દર્દીઓને કરમસદ ખાતે આવેલી શ્રી ક્રિષ્ના હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે.
તેમજ એક દર્દી જીએમઈઆરએસ ગોત્રી વડોદરા ખાતે આઈસોલેશન વોર્ડમાં સારવાર હેઠળ છે. જ્યારે એક દર્દી આણંદ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર મેળવી રહ્યો છે. જે પૈકી કોરોના પોઝિટિવ ત્રણ દર્દીઓ O2 ઉપર સારવાર હેઠળ છે. બે દર્દી વેન્ટીલેટર પર છે જ્યારે 4 દર્દીની સ્થિતિ હાલમાં સામાન્ય છે.