આણંદઃ પ્રાપ્ત વિગતો અનુસાર ગત 8મી ઓગષ્ટના રોજ ઉમરેઠ-થામણા રોડ ઉપર આવેલા ચંદુભાઈના તમાકુની ખરીમાંથી રાત્રીના સુમારે 47 જેટલી તમાકુની ગુણો કે જેની કિંમત 2.40 લાખ છે. તેની ચોરી થઇ હતી. 1લી સપ્ટેમ્બરના રોજ રતનપુરા ગામે રહેતા અશોકભાઈ જશભાઈ પટેલના તમાકુના ગોડાઉનના નકુચા તોડીને અંદરથી 1.04 લાખની કિંમતની 116 તમાકુના ગુણોની ચોરી થઇ હતી. ત્યારબાદ ગત ૬ તારીખના રોજ રતનપુરા ગામે રહેતા ગોરધનભાઈ રણછોડભાઈ પટેલના ખેતરમાં આવેલા તમાકુના ગોડાઉનમાંથી 40 હજારની કિંમતની 40 મણ જેટલી તમાકુની ચોરી થતા પોલીસ અને ખેડૂતોની ઉંઘ હરામ થઈ ગઇ હતી.
આ સમગ્ર ઘટના અંગે ઉમરેઠ પોલીસે બે અલગ-અલગ ગુનાઓ દાખલ કરીને તપાસ કરતાં બન્ને ચોરીઓમાં એક જ પધ્ધતિથી ચોરી કરવામાં આવી હોવાનું બહાર આવ્યું હતુ. જેથી cctv ફુટેજ મેળવીને તેની ચકાસણી કરતાં એક શંકાસ્પદ ઈસમ ભલાભાઈ ફુલાભાઈ તળપદા હોવાનું તેમજ તેનો ઇતિહાસ પણ ગુનાહિત હોવાનું બહાર આવ્યું હતુ.
પોલીસે તેને ઝડપી પાડવા માટે વોચ ગોઠવી દીધી હતી. આ દરમિયાન તેના ઘરેથી ઉમરેઠ પોલીસ મથકે લાવીને આકરી પુછપરછ કરી હતી. જેમાં તેણે ઉક્ત બન્ને ચોરીઓ પોતાના સાગરિતો સાથે મળીને કરી હોવાની કબુલાત કરી હતી. પોલીસે ત્યારબાદ વિક્રમભાઈ જાયાભાઈ તળપદા, જાયાભાઈ બચુભાઈ તળપદા, જગદિશભાઈ ઉર્ફે જગો જયંતિભાઈ તળપદા, ભરતભાઈ રમેશભાઈ તળપદા, કનુભાઈ ઉર્ફે ડમરુ રાજુભાઈ તળપદા, વાજીદ હુસૈન મહેબુબ હુસૈન મલેક, જગદિશ ઉર્ફે ભુરીયો ઈશ્વરભાઈ વાઘરી, પુનમ ઉર્ફે ટીનો ઈશ્વરભાઈ વાઘેલા, ગોપાલભાઈ મોહનભાઈ તળપદા, કાળાભાઈ ઉર્ફે કાળીયો કાંતિભાઈ તળપદા તેમજ એક કિશોરને ઝડપી પાડીને ચોરીમાં વપરાયેલો આઈશર ટેમ્પો તેમજ પીકઅપ ડાલુ જપ્ત કરવાની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે તમામની પુછપરછ કરતાં તેઓએ મહુધા પોલીસ મથકની હદમાં પણ તમાકુની ચોરી કરી હોવાનું સામે આવ્યું છે.
ઉમરેઠ પોલીસે તમાકુના ગોડાઉનના નકુચા તોડીને અંદર મુકેલી તમાકુની ચોરી કરતી મહુધાની ગેંગને ઝડપી પાડીને મુખ્ય સુત્રધાર ભલાભાઈ તળપદાની તપાસ કરતાં તે અગાઉ ચોરી, ધાડ, લૂંટ જેવા કુલ 15 જેટલા ગુનાઓમાં સંડોવાયો હોવાનું સામે આવ્યુ હતુ. આરોપી જેલમાંથી છુટ્યા બાદ મહુધા શહેરના ફિણાવ ભાગોળ ખાતે રહેતા તળપદાઓની એક ગેંગ બનાવી હતી અને તમાકુની ચોરીઓને એકબાદ એક અંજામ આપવાનું ચાલુ કર્યુ હતુ.
ઉમરેઠ પોલીસના જણાવ્યા અનુસાર બપોરના સુમારે વિક્રમભાઈ તળપદાના ઘરે બધા ભેગા થતા હતા અને ચોરી કરવા માટે રાત્રે જવાનું નક્કી કરતા હતા. ત્યારબાદ ભલાભાઈ અને વિક્રમભાઈ અથાણું વેચવાના બહાને બાઈક પર નીકળી પડતા હતા અને સીમ વિસ્તારોમાં આવેલા તમાકુના ગોડાઉનની રેકી કરી લેતા હતા. ત્યારબાદ રાત્રીના સુમારે આઈશર ટેમ્પો કે પછી પીકઅપ ડાલુ લઈને ત્રાટકતા હતા અને ચોરીઓ કરીને ફરાર થઈ જતા હતા.