આણંદઃ જિલ્લાલ LCB પોલીસ દ્વારા છેલ્લા કેટલાક સમયથી ECO ગાડીના સાઇલેન્સરની ચોરી કરતી ગેંગને બાતમીના આધારે ઝડપી પાડવામાં આવી હતી. પૂછપરછ બાદ ગેંગના સભ્યોએ આણંદ તથા ખેડા જિલ્લામાં કુલ 38 જેટલી ECO કારમાંથી સાઇલેન્સરની ચોરી કરી હોવાની કબુલાત કરી હતી.
આણંદથી ચોરાયેલાં સાઈલેન્સર પાટણમાં વેચાતા આણંદ લોકલ ક્રાઇમ બ્રાંચે ECO ગાડીના સાઇલેન્સર ચોરતી ગેંગના 5 જેટલા સભ્યોને ઝડપી પાડ્યા હતા. જેમાં આસિફ ઉર્ફે રૂપાલા અયુબ વોરા, ઇમરાન ઉર્ફે ગજની અબ્દુલભાઈ વહોરા, તોફીક મેહબૂબ પીંજારા, ફિરોઝ રસુલભાઇ વોહરા અને વિજય સવજીભાઈ ઠાકોરને ઝડપી પાડ્યા હતા. તેઓની પૂછપરછ કરતા 38 જેટલી ઈકોગાડીમાંથી સાઇલેન્સરની ચોરી કરી હોવાનો ભેદ ખુલ્યો હતો. આણંદ LCB પોલીસે ઝડપાયેલા પાંચેય આરોપીઓને અગાઉ અન્ય કોઈ વાહન ચોરી કે, અન્ય ગુનામાં સંડોવાયેલા છે કે, કેમ તે અંગેની પૂછપચ્છ કરવા રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.
આણંદથી ચોરાયેલાં સાઈલેન્સર પાટણમાં વેચાતા છેલ્લા કેટલાક સમયથી પેટલાદ, પંડોળી, નાર, કાવિઠા, વિરસદ, પોપટપુરા, તારાપુર, બોરસદ, વિદ્યાનગર, સંદેશર, કરમસદ, સોજીત્રા, ઝાલોર આણંદ, ભાલેજ, વઘાસી અને વસો વગેરે ગામોમાં મારૂતિ ઈકો ગાડીમાંથી સાઇલેન્સરની ચોરી થતી હોવાની ફરિયાદ ઉઠી હતી. પ્રાપ્ત માહિતી મુજબ ચોરાયેલા તમામ સાઇલેન્સર ભરૂચ ખાતે રહેતા સુનિલભાઈ નટવરભાઈ અને મોતી બાબાભાઈને વેચાતા હતા. આ બંને આરોપીઓ ચોરીના ખરીદેલા સાઇલેન્સર પાટણ તાલુકાના હારીજ ગામે દિનેશભાઈને વેચતા હતા. તેવું જાણવા મળ્યુ હતુ. જેમાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને ખરેખર સાઇલેન્સરનું નેટવર્ક ક્યાં સુધી ફેલાયેલું છે. તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે.આ અંગે આણંદ DYSP બી.ડી. જાડેજાએ જાણકારી આપતા જણાવ્યું હતું કે, આ શખ્સો અગાઉ પશુ ચોરીના ગુનામાં પકડાયા હતા. હાલ 23 જેટલા ગુનાની કબુલાત તેમના દ્વારા કરવામાં આવી છે અને આગળની તપાસમાં વધુ ખુલાસા થવાની શક્યતાઓ જણાઈ રહી છે. તેમના જણાવ્યા અનુસાર ઈકો ગાડીમાં ફિલ્ટર તરીકે વપરાતી જાળી જેમાં બહુમૂલ્ય ધાતુનો ઉપયોગ થતો હોવાથી આ તત્વો દ્વારા આ સાઇલેન્સરમાંથી જાળીવાળા ભાગની ચોરી કરવામાં આવતી હતી. આ શખ્સોએ 20 દિવસથી આણંદ જિલ્લામાં તરખાટ મચાવ્યો હતો. જેને આણંદ LCB પોલીસે ઝડપી પાડ્યા હતા.