રોકડીયા હનુમાનજી મંદિરનો ઈતિહાસ આજથી 201 વર્ષ જૂનો છે. કહેવામાં આવે છે કે, શ્રી સ્વામિનારાયણ ભગવાન વિક્રમ સંવત 2074 વૈશાખ માસમાં આણંદ પધાર્યા હતા, ત્યારે આણંદ વાસીઓએ કોઈ વ્યક્તિની ઉશ્કેરણીમાં આવીને સંતો-ભક્તો સહિત સ્વામિનારાયણ ભગવાન સાથે અસભ્ય વર્તન કરી કાદવ કીચડ ઉછાળ્યો હતો અને હરિભક્તો સહિત ભગવાનને પણ અપમાનિત કર્યા હતા.
શ્રી સ્વામિનારાયણ ભગવાન જ્યારે પરત વડતાલ જવા નીકળ્યા હતા, ત્યારે આણંદ ગીરી ગોસ્વામીનાના વંશજોએ વિનંતી કરી હતી કે, ગોસાઈની વાળીએ પધારો. એ સ્થળ એટલે હાલનું આણંદનું શ્રી રોકડીયા હનુમાનજી મંદિર. ભગવાન સહિત હરિભક્તોએ શાળામાં આવી કુવાના ઠંડા જળથી સ્નાન કરી અને વિશાળ વટવૃક્ષ નીચે બિરાજમાન થયા અને ધર્મ ઉપદેશ આપ્યો હતો.
આ સ્થળે ભગવાને નજર કરતાં આ દેવળમાં એક ભૈરવની મૂર્તિ જોવા મળી હતી. જેથી ભગવાન સ્વામિનારાયણે ભૈરવની મૂર્તિને પોતાનો ખેસ ઓઢાડી દીધો હતો. જેથી ભૈરવની મૂર્તિ હનુમાનજીમાં પરિવર્તિત થઇ ગઇ હતી. જ્યારબાદ સમય જતાં ગોપાળાનંદ સ્વામીએ આ જ મંદિર પર ડેરા ઘાટ વાળું નવું મંદિર બનાવ્યું અને ત્યારબાદ અંદાજે 30 વર્ષ પહેલા એક હરિભક્ત દ્વારા અહીં શિખરબંધ મંદિર બનાવવામાં આવ્યું હતું.
વર્ષ 2013માં હાલના નૂતન મંદિરનું નિર્માણ કાર્ય શરૂ થયું હતું અને વર્ષ 2016માં હનુમાન જયંતીના દિવસે શાસ્ત્રી સ્વામી સત્સંગ ભૂષણ દાસજી મહારાજ દ્વારા ધ્યાની સ્વામી હરિસ્વરૂપ દાસજીને આજીવન આ રોકડિયા હનુમાનજી મંદિરના કોઠારી સ્વામી તરીકે નિયુક્ત કર્યા હતા. હાલ પુરજોશમાં ચાલી રહેલ મંદીરનાં નવનિર્માણનું કાર્ય કોઠારી સ્વામીના માર્ગદર્શન હેઠળ વધુ વેગવાન બન્યું હતું.
કુશળ રાજસ્થાની કારીગરો દ્વારા 120 ફૂટ લંબાઈ, 50 ફૂટ પહોળાઈ અને 80 ફૂટ ઊંચાઈ ધરાવતું આ મંદિરનું નિર્માણ આગામી 14 જાન્યુઆરીના રોજ પૂર્ણ થશે અને 16થી 20 જાન્યુઆરી સુધી અભૂતપૂર્વ ઉદ્ઘાટન મહોત્સવ ઉજવાશે. જેમાં લક્ષ્મીનારાયણ દેવ, દેશના પીઠાધિપતી આચાર્ય પ્રવર 1008, રાકેશપ્રશાદ મહારાજ અને હજારો હરિભક્તો ઉપસ્થિત રહેશે.