- ડુપ્લિકેટ માર્કશીટ અને પાસપોર્ટના કૌભાંડનો ઘટસ્ફોટ
- આણંદ એસઓજીએ ઝડપી પાડ્યુ કૌભાંડ
- લાખોની રોકડ સાથે નકલી માર્કશીટો અને પાસપોર્ટ ઝડપાયા
- ઘટનામાં માસ્ટર માઈન્ડ કનુ રબારીની ફરી થઈ અટકાયત
આણંદઃ પ્રાપ્ત વિગતો અનુસાર પેટ્રોલીંગ કરી રહેલી એસઓજી પોલીસને માહિતી મળી હતી કે, શહેરના મંગળપુરા વિસ્તારમાં આવેલા અતિથિ એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર 102માં કાંઈક શંકાશીલ પ્રવત્તિ થઈ રહી છે. જેના આધારે પોલીસે છાપો મારતાં ફ્લેટમાંથી એક શખ્સ મળી આવ્યો હતો. જેનું નામઠામ પૂછતાં તે કનુભાઈ રજાભાઈ રબારી (રે. ઓડ, રબારીવાસ)નો હોવાનું જણાવ્યું હતું. પોલીસે ફ્લેટની તલાશી લેતાં સરકારી શૈક્ષણિક સંસ્થાઓની અસલ 16 સર્ટીફીકેટ, 106 બનાવટી સર્ટીફીકેટ, અલગ-અલગ નામ સરનામાવાળા 30 ભારતીય પાસપોર્ટ, રોકડા 22.50 લાખ, બે મોબાઈલ સહિત કુલ 23.15 લાખનો મુદ્દામાલ મળી આવતાં પોલીસે તે જપ્ત કર્યો હતો.
- નકલી માર્કશીટ બનાવી વિદેશ મોકલવાના કૌભાંડનો પર્દાફાશ
આ અંગે આણંદ શહેર પોલીસ મથકે આર્થિક લાભ સારું ગુનાહિત કાવતરું રચીને બોગસ દસ્તાવેજો બનાવવાનો ગુનો દાખલ કરીને પકડાયેલા કનુભાઈ રબારીની પૂછપરછ કરતાં વડોદરા ખાતે રહેતા આદિત્ય ચન્દ્રવદન પટેલ મારફતે તેની ઓળખાણ વડોદરા ખાતે રહેતા હીરેન ઉર્ફે સોનુ ચન્દ્રકાન્ત સાઠમ સાથે થઈ હતી અને હીરેન ઉર્ફે સોનુ આ બનાવટી માર્કશીટો બનાવીને કનુભાઈને આપતો હતો. કનુભાઈ જરૂરિયાતમંદ વ્યક્તિઓ પાસેથી એક માર્કશીટના લાખથી દોઢ લાખ રૂપિયા લઈને આપતો હતો. આ વિગતો ખુલતાં જ પોલીસે આદિત્ય પટેલ અને હીરેન ઉર્ફે સોનુને પણ ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
- બે-ત્રણ મહિનાથી ચાલતો હતો ગોરખધંધો
પોલીસના જણાવ્યા અનુસાર છેલ્લાં બે-ત્રણ મહિનાથી કનુભાઈ રબારી દ્વારા આ ફ્લેટ ભાડેથી રાખીને આ ગોરખધંધા કરવામાં આવતાં હતા. અત્યાર સુધીમાં તેણે કેટલા વ્યક્તિઓને પૈસા લઈને આ બનાવટી માર્કશીટો બનાવી આપી છે અને આ માર્કશીટોના આધારે કોણે શું લાભ મેળવ્યો છે જેવી બાબતોની તલસ્પર્શી તપાસ હાથ ઘરવામાં આવી છે.