આણંદની અપરા હોસ્પિટલમાં આગને લઈ યોજાઈ મોકડ્રીલ
ફાયરબ્રિગેડના જવાનોએ મેળવ્યો આગ પર કાબૂ
કોવિડ દર્દીઓને આ ઓપરેશનમાં સામેલ નહોતા કરાયા
આણંદઃ આગની આકસ્મિક પરિસ્થિતિમાં ક્યાં પ્રકારના જરૂરી તકેદારી અને સલામતી રાખી કામગીરી કરવી તે અંગે જાગૃતિ લાવવા આણંદ હોસ્પિટલમાં મોકડ્રીલ યોજવામાં આવી હતી. આણંદમાં આવેલા ડો.અજય કોઠીયાલાની અપરા હોસ્પિટલમાં સાંજના સમયે અચાનક આગની ઘટનાને લઈ મોકડ્રીલ યોજાઈ હતી.
કોવિડ હોસ્પિટલમાં યોજાઈ મોકડ્રીલ
સાચે જ આગ લાગી હોય તે રીતે આણંદ ફાયર બ્રિગેડમાં કોલ કર્યા બાદ આણંદ ફાયર બ્રિગેડના જવાનો પિપિઇ કીટ સાથે સજ્જ થઈ હોસ્પિટલ ખાતે ઓપરેશનમાં જોડાયા હતાં. હોસ્પિટલમાં દાખલ કરેલા કોવિડના દર્દીઓને સલામત રીતે પીપીઈ કીટ સાથે નીચે ઉતારી તેમને સુરક્ષિત સ્થળે ખસેડવાની કાર્યવાહી આણંદ ફાયર બ્રિગેડ દ્વારા કરવામાં આવી હતી. સાથે જ હોસ્પિટલના પ્રથમ માળે લાગેલી આગ પર કાબુ મેળવી મોટી જાનહાની થતાં અટકાવવાની કાર્યવાહી ફાયર બ્રિગેડ દ્વારા કરવામાં આવી હતી.
કોવિડ દર્દીઓને આ ઓપરેશનમાં સામેલ નહોતા કરાયા
ઉલ્લેખનીય છે કે રાજ્યમાં બનેલી કોવિડ હોસ્પિટલમાં આગની ઘટનામાં કેવા પ્રકારની કાર્યવાહી કરવી પડે અને મહામારી વચ્ચે દર્દીઓનું રેસ્ક્યુ ઓપરેશન કેવી રીતે કરી શકાય તે અંગે આ મોકડ્રિલ માં અભ્યાસ કરવામાં આવ્યો હતો. મોકડ્રિલમાં તમામ નકલી દર્દીઓને સામેલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં દાખલ કોવિડ દર્દીઓને આ ઓપરેશનમાં સામેલ કરવામાં આવ્યા નહોતા.
આણંદ ફાયર બ્રિગેડ દ્વારા કોરોના કાળમાં આ પ્રથમ મોકડ્રિલ કરવામાં આવી હતી. આણંદમાં કુલ 14 જેટલી હોસ્પિટલમાં કોવિડના દર્દીઓને સારવાર આપવામાં આવે છે, જેમાંથી ફાયર બ્રિગેડ દ્વારા આ પ્રકારે કાર્યવાહી કરી આગ જેવી આકસ્મિક પરિસ્થિતિમાં કેવા પ્રકરની કાર્યવાહી કરવી અને કોવિડના દર્દીઓને કેવી રીતે રેસ્ક્યુ કરવા તેનો અભ્યાસ કરવામાં આવ્યો હતો.
આણંદ ફાયર ઓફીસર ધર્મેશ ગોરના જણાવ્યા અનુસાર કોરોના કાળમાં અત્યાર સુધી આણંદ જિલ્લામાં 25 જેટલી આગની ઘટનાઓ બની છે, જેમાં કોઈ હોસ્પિટલમાં આગની ઘટના બની નથી અને અન્ય ઘટનાઓમાં પણ કોઈ જાનહાની થઈ નહોતી. આણંદમાં ફાયરબ્રિગેડ દ્વારા કોવિડ હોસ્પિટલમાં કરવામાં આવેલી મોકડ્રિલ બાદ ફાયર બ્રિગેડના જવાનોને પણ કોવિડ દર્દીઓનું સુરક્ષિત બચાવકાર્ય કેવી રીતે કરવું તે અંગે અભ્યાસ કર્યો હતો.