ખંભાત: દર વર્ષે ઉત્તરાયણમાં ખંભાતનાં પતંગ બજારમાં જનમેદની જોવા મળતી હોય છે. જોકે, ચાલુ વર્ષે ખંભાતમાં કોરોના મહામારીને કારણે તેમજ રૉ-મટીરીયલની અછતને કારણે પતંગોની કમી જોવા મળી રહી છે. જ્યારે બીજી તરફ લોકો પણ કોરોનાને કારણે ખંભાતના બજારોમાં ખરીદી કરતા ગભરાહટ અનુભવી રહ્યા છે.
દર વર્ષની સરખામણીએ માત્ર 30 ટકા દુકાનો જ ચાલું રહી
પતંગ ઉદ્યોગ ક્ષેત્રે અગ્રેસર ખંભાત દર વર્ષે ચારથી પાંચ કરોડનું ઉત્પાદન કરે છે. ખંભાતની પતંગો અમદાવાદ વડોદરા આણંદ નડિયાદ ભાવનગર મુંબઈ જયપુર સુધી પોતાની આગવી ઓળખ મેળવી ચૂકી છે. ઓછા પવનમાં પણ ખંભાતી પતંગ સરળતાથી નીલ ગગનમાં વિહરે છે. આણંદ જિલ્લા સહિત ગુજરાતના અનેક મોટા શહેરોમાં પણ ખંભાતી પતંગનું વેચાણ સૌથી વધુ હોય છે અન્ય શહેરોમાં ખંભાતી પતંગ ની માગ દર વર્ષની સરખામણીએ ઓછી જોવા મળી છે જોકે ખંભાતમાં ઉત્તરાયણ પર્વના એક સપ્તાહ અગાઉથી શહેરમાં ઠેર ઠેર પતંગની હાટડીઓ બંધાઈ જાય છે. જોકે આ વર્ષે દર વર્ષની સરખામણીએ માત્ર 30 ટકા દુકાનો જ હોવાથી પતંગનું વેચાણ ઘટ્યું છે અને બજારમાં પણ લોકોની ભીડ ઘણી ઓછી જોવા મળી છે.
કોરોના ને કારણે ખંભાતનાં મીઠાઈ ઉદ્યોગમાં પણ મોટી ખોટ
ખંભાતમાં પતંગની ખરીદી માટે દર વર્ષે ગુજરાતના વિવિધ શહેરોમાંથી લોકો પતંગ ખરીદવા ઉમટે છે. ચાલુ વર્ષે કોરોનાને કારણે પતંગ ખરીદદારોની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો છે. દર વર્ષે પતંગ ખરીદારો ખંભાતમાંથી પતંગની સાથે સાથે ખંભાતનો પ્રખ્યાત હલવાસન અને સુતરફેણીની પણ ખરીદી કરતા હોય છે. જોકે, આ વર્ષે પહેલીવાર ઉતરાયણના અગાઉના દિવસોમાં ખંભાતમાં લોકોની મેદની ઓછી હોવાને કારણે ખંભાતના મીઠાઈના ઉદ્યોગમાં પણ મોટો ફટકો જોવા મળ્યો છે જેને લઇ મીઠાઈના વેપારીઓને મોટી ખોટ સાંપડી છે.