- દિલ્હી કિસાન આંદોલનના સમર્થનમાં આણંદમાં ધરણા કાર્યક્રમ
- કોંગ્રેસનાં નેતાઓ દ્વારા સોશિયલ ડિસ્ટન્સનાં ધજાગરા
- એમએસપીના અર્થના જવાબમાં જિલ્લા પ્રમુખના ગલ્લા તલ્લા
આણંદ : અમૂલ ડેરી રોડ પર આજે કોંગ્રેસ દ્વારા દિલ્હી ખાતે ચાલી રહેલા ખેડૂત આંદોલનના સમર્થનમાં ધરણાં કરી વિરોધ પ્રદર્શન કરતા પોલીસે કોંગ્રેસનાં જિલ્લા પ્રમુખ ધારાસભ્ય અને કાર્યકરોની અટકાયત કરી હતી. જોકે, ધરણાં કરતા કોંગ્રેસનાં નેતાઓ દ્વારા સોશિયલ ડિસ્ટન્સનાં ધજાગરા ઉડાડવામાં આવ્યા હતા.
જિલ્લા પ્રમુખ મહેન્દ્રસિંહ પઢીયાર અને ધારાસભ્ય નિરંજન પટેલની અટકાયત
અમૂલ ડેરી પાસે ધરણાં કરી રહેલા કોંગ્રેસનાં કાર્યકરો દ્વારા સુત્રોચ્ચાર કરી પ્લેકાર્ડ પ્રદશિત કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. જોકે, કોંગ્રેસનાં જિલ્લા પ્રમુખ સહીત અનેક કાર્યકરોએ સોશિયલ ડિસ્ટન્સનાં તેમજ કોવિડની ગાઈડ લાઈનનાં ધજાગરા ઉડાડતા જોવા મળ્યા હતા. ત્યારે પોલીસે જિલ્લા પ્રમુખ મહેન્દ્રસિંહ પઢીયાર અને ધારાસભ્ય નિરંજન પટેલની અટકાયત કરી તેઓને પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા. તેમજ કોંગ્રેસનાં નેતાઓ કલેકટર કચેરી ખાતે પણ કલમ 144ની ધારાનો ભંગ કરી સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરતા જોવા મળ્યા હતા. ત્યારે પ્રજામાં સવાલો ઉઠયા હતા કે, કોંગ્રેસનાં નેતાઓને શુ કોરોનાનો ભય લાગતો નથી.
નજીકમાં બેઠેલા કાર્યકરે મોબાઈલમાં સર્ચ કરી એમએસપીનો અર્થ જણાવ્યો
પંજાબનાં ખેડૂતો દિલ્હીમાં જે એમએસપીનાં મુદ્દે આંદોલન કરી રહ્યા છે, અને કોંગ્રેસ દ્વારા તેનાં સમર્થનમાં ધરણાં કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. તે એમએસપીનાં ફુલફોર્મ અંગે મિડિયા દ્વારા જિલ્લા પ્રમુખ મહેન્દ્રસિંહ પઢીયારને પુછતા તેઓ જવાબ આપવાનાં બદલે ગલ્લા તલ્લા કરવા લાગ્યા હતા. તેઓને એમએસપીનો શુ અર્થ થાય છે, તેની ખબર ન હતી. ત્યારબાદ નજીકમાં બેઠેલા કાર્યકરે મોબાઈલમાં સર્ચ કરી એમએસપીનો અર્થ જણાવ્યો હતો. ત્યારે ખેડૂતોના જે મુદ્દા માટે આજે ધરણાં કાર્યક્રમનું આયોજન થયું હતું અને દિલ્હીમાં ચાલતા ખેડૂતો માટેના આંદોલનના મુખ્ય મુદ્દાનું ફુલફોર્મની જિલ્લા પ્રમુખને જાણ ન હોવાથી તેઓ હાંસીપાત્ર બન્યા હતા.