આણંદ: કોરોના સંક્રમણને અટકાવવા માટે સરકારે લીધેલો નવરાત્રી આયોજન રદ કરવાનો નિર્ણય આવકારદાયક છે, પરંતુ મહામારીને લઇને જે વેપારીઓ લાંબા સમયથી ઘરાકીના અભાવે બેસી રહ્યા છે તેમની પરિસ્થિતીમાં ખાસ ફરક પડ્યો નથી.

આણંદ જિલ્લાના ચણિયાચોળીના વેપારીઓના ધંધા પર પણ કોરોનાને લીધે માઠી અસર પહોંચી છે.

નવરાત્રી દરમિયાન ખેલૈયાઓ તેમના વસ્ત્રો તેમજ આભૂષણો પર પણ ખાસ ધ્યાન આપતા હોય છે. અવનવી વેરાયટીના ચણિયાચોળી ખરીદવા માટે મોડે સુધી બજારમાં લોકોની ભીડ જોવા મળતી હોય છે.

ખાસ કરીને વિદેશથી આવતા લોકો ડિઝાઇનર ચણિયાચોળીની વધુ માગ કરતા હોય છે. પરંતુ આ વખતે પરંપરાગત વેપારીઓની જેમ ડિઝાઇનર ચણિયાચોળીના વેપારીઓ પણ આર્થિક તંગીનો અનુભવ કરી રહ્યા છે.

આણંદ જિલ્લા કલેક્ટર આર જી ગોહિલ દ્વારા લોકોને આ પર્વની ઉજવણી ઘરેથી જ કરવાની સલાહ આપવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે હાલ આણંદ જીલ્લામાં નવરાત્રી આયોજન સરકારના આદેશને અનુસરીને મોકૂફ રાખવામાં આવ્યું છે જેથી લોકો ઘરેબેઠા જ શક્તિના આ પર્વની ઉજવણી કરે તે ઇચ્છનીય છે.

- આણંદથી યશદીપ ગઢવીનો વિશેષ અહેવાલ