મિત્રોના દસ્તાવેજોના આધારે ટુ-વ્હીલરોની લોન લઈને છેતરપિંડી કરતો શખ્સ ઝડપાયો
- SOG પોલીસે પેટલાદના બસસ્ટેન્ડ પાસે વોચ ગોઠવી
- 34 જેટલા ટુ-વ્હીલરો મળી આવ્યાં
- કુલ મળીને કિંમત 14.70 લાખ રૂપિયા જેટલી
આણંદઃ SOG પોલીસે સોમવારે પેટલાદના બસસ્ટેન્ડ પાસે વોચ ગોઠવીને મિત્રોના દસ્તાવેજોના આધારે ટુ-વ્હીલરોની લોનો લઈને છેતરપિંડી કરતા શખ્સને ઝડપી પાડીને 14.70 લાખની કિંમતના કુલ 34 જેટલા ટુ-વ્હીલરો જપ્ત કરીને વધુ તપાસ અર્થે પેટલાદ શહેર પોલીસના હવાલે કર્યો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર, પેટ્રોલીંગ કરી રહેલી SOG પોલીસે પેટલાદના બસસ્ટેન્ડ પાસે વોચ ગોઠવી હતી. આ દરમિયાન એક નબર પ્લેટ વગરના મોપેડ પર એક શખ્સ સવાર થઈને આવી ચઢતા પોલીસે તેને શંકાને આધારે અટકાવીને નામ પુછતાં તે અકબરહુસેન ઉર્ફે ભુરો યુસુફમિંયા શેખ, શ્યામપ્રકાશ હોવાનું જણાવ્યું હતું. જેની પાસે મોપેડના આરટીઓને લગતા કાગળોની માંગણી કરતાં તેની પાસે નહીં હોવાનું તેમણે જણાવ્યું હતું.
તપાસ કરતાં તેના વિરૂદ્ધ પેટલાદ શહેર પોલીસ મથકે મિત્રોના દસ્તાવેજો પર ડાઉન પેમેન્ટ ભરીને ટુ-વ્હીલરોની લોન લઈને છેતરપિંડી કરવાનો ગુનો દાખલ થયેલો હતો. જેથી તેને પોલીસ મથકે લાવીને આકરી પુછપરછ કરતાં તેણે અત્યાર સુધીમાં પેટલાદ શહેરના અલગ-અલગ વિસ્તારોમાં રહેતા લોકોના નામે કુલ 34 જેટલા ટુ-વ્હીલરો જેવા કે, એક્ટિવા, એક્સેસ પ્લેઝર બાઈક, ડીયો, સુઝીકી બેગમેન, હોન્ડા સ્પ્લેન્ડર, એવીયેટર જેવા વાહનો લોન પર મેળવીને તેના હપ્તાઓ ભર્યા નહોતા અને છેતરપિંડી કરી હતી. જેથી પોલીસે આ તમામ વાહનો જપ્ત કર્યા હતાં. જેની કિંમત 14.70 લાખ રૂપિયા જેટલી હતી.