આણંદઃ SOG પોલીસને બાતમી મળી હતી કે, બોરસદ શહેરના ભોભા ફળિયા વિસ્તારમાં રહેતા આરીફ મલેક વગર ડિગ્રીએ તબીબી પ્રેક્ટિસ કરીને શહેરીજનોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યો છે, જેના આધારે પોલીસે છાપો મારતા આરીફ મલેક પાસે તબીબી પ્રેક્ટિસ કરવા માટે સક્ષમ સંસ્થા કે ગુજરાત મેડિકલ કાઉન્સિલનું પ્રમાણપત્ર મળી આવ્યું ન હતું.
પોલીસે તપાસ કરતા ક્લીનીકમાંથી દવાઓ ઇન્જેક્શન તબીબી સાધનો રોકડ રકમ મોબાઈલ વગેરે મળીને કુલ 31,222નો મુદ્દામાલ સ્થળ પરથી મળી આવ્યો હતો, જે જપ્ત કરવામાં આવ્યો હતો અને બાદમાં નકલી બની બેઠેલા આ તબીબને બોરસદ ટાઉન ખાતે લાવી તેના પર ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી.
મહત્વનું છે કે, દેશ જ્યારે કોરોનાની મહામારી સામે ઝઝૂમી રહ્યો હોય, ત્યારે ડોક્ટર પ્રત્યે દર્દીઓનો વિશ્વાસ ખૂબ જ વધી જતો હોય છે, પરંતુ તેનાથી વિપરીત બોરસદમાં આ બની બેઠેલા ડોક્ટરની ઘટના બાદ સમાજ માટે જોખમરૂપ આવા તત્વો પર તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિકો માંગ ઉઠી છે.