- આણંદ નગરપાલિકા દ્વારા ફાયર વિભાગની 21 બેઠકો માટે અરજી મંગાવવામાં આવી
- આજે બુધવારે યુનિવર્સિટી સ્પોર્ટ્સ સંકુલ ખાતે શારીરિક કસોટી યોજાઈ
- 275 અરજીઓ માટે યોજાઈ શારીરિક કસોટી
આણંદ: રાજ્ય સરકાર દ્વારા જિલ્લાકક્ષાના ફાયર મથક માટે ભરતી પ્રક્રિયા બહાર પાડવામાં આવી હતી. જેના ભાગરૂપે આણંદ નગરપાલિકા દ્વારા મુખ્ય ફાયર વિભાગના 21 જેટલી જગ્યાઓ માટે આજે શારીરિક તથા તરણ કસોટીનું આયોજન કરવામાં આવ્યું હતું.
ચીફ ઓફિસર ગૌરાંગ પટેલે માહિતી આપી
આ અંગે આણંદ નગરપાલિકાના ચીફ ઓફિસર ગૌરાંગ પટેલે માહિતી આપતા જણાવ્યું હતું કે, આણંદ નગરપાલિકા સંચાલિત જિલ્લા મથક માટે 21 જેટલી જગ્યાઓની સરકાર દ્વારા ભલામણ કરવામાં આવી છે. જેમાં 275 જેટલી ક્વોલિફાઈડ અરજીઓને આણંદ નગરપાલિકા દ્વારા સ્વીકૃતિ આપવામાં આવી છે. જે પૈકી ઉમેદવારોની શારીરિક કસોટી તથા તરણ કસોટીનું આજરોજ સરદાર વલ્લભભાઈ પટેલ યુનિવર્સિટીના સ્પોર્ટ્સ સંકુલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.
ભરતી પ્રક્રિયા દરમિયાન થર્મલ સ્ક્રીનીંગ અને સેનિટાઈઝરનો ઉપયોગ
ઉલ્લેખનીય છે કે, વર્તમાન કોરોના મહામારી વચ્ચે જ્યારે રાજ્યના જુદા જુદા વિસ્તારોમાંથી ભરતી પ્રક્રિયામાં ભાગ લેનારા ઉમેદવારો એક જગ્યાએ એકત્ર થતા હોય ત્યારે તંત્ર દ્વારા તેમની પાસે અગાઉથી જ જરૂરી ટેસ્ટ અંગેના પ્રમાણપત્રો તથા ભરતી પ્રક્રિયા દરમિયાન થર્મલ સ્ક્રીનીંગ અને સેનિટાઈઝરનો ઉપયોગ કરે તે બાબતે ધ્યાન રાખવામાં આવ્યું હતું.