- આણંદમાં શિક્ષક દિનની કરાઈ ઉજવણી
- જિલ્લા અને તાલુકામાંથી 20 જેટલા શિક્ષકોને કરાયા સન્માનિત
- રાજ્યના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા રહ્યા ઉપસ્થિત
આણંદ: રવિવારે બાકરોલ ખાતે BAPS સ્વામિનારાયણ વિદ્યાલય ખાતે પ્રખર તત્વચિંતક, રાજપુરૂષ, ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને દ્વિતીય રાષ્ટ્રપતિ ઉપરાંત દેશના શ્રેષ્ઠ શિક્ષક તરીકે જેમની ખ્યાતિ ફેલોયેલી છે, તેવા પ્રખર શિક્ષણવિદ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મદિન શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે. આ શિક્ષક દિનની ઉજવણી અંતર્ગત શિક્ષણ ક્ષેત્રે ગૌરવરૂપ અને ઉત્કૃષ્ટ સેવા આપનારા આણંદ જિલ્લા–તાલુકાના શ્રેષ્ઠ 20 શિક્ષકોનું રાજ્યના ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજા સહિત ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સન્માનપત્ર અને શાલ ઓઢાડીને સન્માનિત કરવામાં આવ્યા હતા.
પ્રદીપસિંહ જાડેજાએ પારિતોષિક મેળવનારા શિક્ષકોને અભિનંદન પાઠવ્યા
પ્રદીપસિંહ જાડેજાએ સમાજનું ચારિત્ર્ય ઘડતર, સંસ્કારો અને સંસ્કૃતિનું રક્ષણ કરી નૂતન વિચારધારાઓને લઇ ગુરૂ-શિષ્ય અને વિદ્યાર્થીઓની આગવી પરંપરા જળવાઇ રહે તે માટે શિક્ષકોને આગળ આવવા કહ્યું હતું. તેમણે વધુમાં 21 મી સદી જ્ઞાનની સદી છે, તેને વાસ્તવમાં પરિણામલક્ષી એક શિક્ષક જ બનાવી શકે તેમ જણાવી જે શિક્ષિત હશે તે જ જગત પર રાજ કરી શકશે તેમ ઉમેર્યું હતું. જાડેજાએ આજના આધુનિક ટેકનોલોજીના યુગમાં જો શિક્ષક ટેકનોલોજીથી સંપૂર્ણ સજ્જ નહીં હોય તો વિદ્યાર્થી ટેકનોલોજીના ઉપયોગના માધ્યમથી જ્ઞાન મેળવતો હોય છે. માત્ર પોતાના સંતોષ ખાતર નહીં પણ બાળકો સામે પૂરતી તૈયારીઓ સાથે જવાથી અસરકારકતા વધશે તેમ જણાવ્યું હતું. શિક્ષકોને પારિતોષિકનું જતન થાય અને અન્યોમાં આ પારિતોષિકો મેળવવાનું ભાવ પેદા થાય તેવા કાર્યો કરતાં રહેવાનું શિક્ષકોને આહ્વાન કરી પારિતોષિક મેળવનારા શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતા.
જુદી જુદી શાળાના પ્રતિભાવંત વિદ્યાર્થીઓનું કરાયું સન્માન
આ પ્રસંગે જિલ્લાની જુદી જુદી શાળાના પ્રતિભાવંત વિદ્યાર્થીઓનું પ્રદિપસિંહ જાડેજા તથા ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર એનાયત કરી સન્માન કરવામાં આવ્યું હતું. રાજય સરકારે શિક્ષણ ક્ષેત્રમાં કરેલી પ્રગતિ અંગેની ટૂંકી ડોક્યુમેન્ટરી ફિલ્મનું પ્રસારણ કરવામાં આવ્યું હતું. જેને ઉપસ્થિત સર્વેએ રસપૂર્વક નિહાળી હતી. જિલ્લા કક્ષાએ જે ચાર શિક્ષકોને સન્માનિત કરવામાં આવ્યા હતા, તેમાં આણંદ તાલુકાની લાલપુર (ત્રણોલ) પ્રાથમિક શાળાના મદદનીશ શિક્ષક વિજયકુમાર રાવજીભાઇ ભોઇ, આણંદ હાઇસ્કુલના આચાર્ય અમિતાભ જોસેફ મેકવાન, આણંદ તાલુકાના કરમસદની રજનતા તલાવડી પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક જિનેશા લાભચંદ્ર શાહ અને ખંભાત તાલુકાના ભુવેલ આદર્શ પ્રાથમિક શાળાના મદદનીશ શિક્ષક સૈયદ નિયામતઅલી મહંમદઅલીનો સમાવેશ થાય છે.
તાલુકા કક્ષાએ સન્માન પામેલા શિક્ષકો
તાલુકા કક્ષાએ બોરસદ તાલુકાની વાલવોડ પ્રાથમિક કુમાર શાળાના મદદનીશ શિક્ષક ડો. પ્રસ્કીલા કાંતિભાઇ ચૌહાણ, ભવાનપુરા (નાપા) પ્રાથમિક શાળાના મદદનીશ શિક્ષક પારેખ ભૂમિકા ગીરીશભાઇ, આણંદ તાલુકાના વઘાસી પ્રાથમિક શાળાના મદદનીશ શિક્ષક સંગીતા કાંતિલાલ પરમાર, ગમોટપુરા પ્રાથમિક શાળા ચિખોદરાના મુખ્ય શિક્ષક મહેશ ગોવિંદભાઇ પટેલ, ખંભાત તાલુકાના પીપળોઇ ગામની કે.બી.પટેલ, આદર્શ પ્રાથમિક શાળાના મદદનીશ શિક્ષક રેણુકા હીરાભાઇ પટેલ, નવાપુરા પ્રાથમિક શાળાના ઉંદેલના મદદનીશ શિક્ષક વસીમ જાઉદ્દીન પઠાણ, સોજિત્રા તાલુકાની રૂણજ પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક દક્ષેશકુમાર કનુભાઇ પંડ્યા, પલોલ પે સેન્ટર પલોલ પ્રાથમિક શાળાના મદદનીશ શિક્ષક માલાભાઇ શનાભાઇ પગી, તારાપુર તાલુકાની મોરજ પ્રાથમિક શાળાના મદદનીશ શિક્ષક પ્રજાપતિ વિઠ્ઠલભાઇ ફીરાભાઇ, કનાવાડા પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક પારેખ રાકેશભાઇ અરવિંદભાઇ, આંકલાવ તાલુકાના પે સેન્ટર પ્રાથમિક શાળા ખડોલના મદદનીશ શિક્ષક યોગીતા ઇશ્વરભાઇ મકવાણા, આંકલાવ તાલુકાના ખડોલ પ્રાથમિક શાળાના મદદનીશ શિક્ષક કિરણ રમણલાલ પટેલ, ઉમરેઠ તાલુકાના ભાલેજની પ્રાથમિક કન્યા શાળાના મદદનીશ શિક્ષક મનિષા પાઉલભાઇ મેકવાન, ઉમરેઠ તાલુકાના જાખલાની પ્રાથમિક શાળાના મદદનીશ શિક્ષક તારા નાનજીભાઇ, પેટલાદ તાલુકાના રવિપુરાની પ્રાથમિક શાળાના મદદનીશ શિક્ષક મકવાણા ધરા નયનકુમાર અને પેટલાદ તાલુકાના આશી પે સેન્ટર શાળાના મદદનીશ શિક્ષક પ્રિતેશકુમાર ચંદ્રકાંતભાઇ ગજ્જરનો સમાવેશ થાય છે.
શિક્ષક પારિતોષિક માટે જિલ્લા કક્ષાએ ચાર અને તાલુકા કક્ષાએ 16 શિક્ષકોની પસંદગી કરાઈ
રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા પ્રતિ વર્ષ રાજ્ય, જિલ્લા અને તાલુકા કક્ષાએ વિવિધ કેટેગરીમાં શ્રેષ્ઠ શિક્ષકોની પસંદગી કરી શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક શિક્ષક દિવસ એટલે કે 5 મી સપ્ટેમ્બરના રોજ એનાયત કરવામાં આવે છે. આ વર્ષે આણંદ જિલ્લામાં જિલ્લા અને તાલુકા કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક- 2021 માટે જિલ્લા કક્ષાએ ચાર અને તાલુકા કક્ષાએ 16 શિક્ષકોની પસંદગી કરવામાં આવી હતી. આ શિક્ષકોને રવિવારે ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાના હસ્તે એવોર્ડ આપવામાં આવ્યો હતો. આ સમારોહ બાકરોલ ખાતે BAPS સ્વામિનારાયણ વિદ્યાલયમાં સવારે 10 થી 12-35 દરમિયાન યોજાયો હતો. આ વર્ષે શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક- 2021 અંતર્ગત જિલ્લા કક્ષાએ 4 અને તાલુકા કક્ષાએ 16 શિક્ષકોની પસંદગી થઈ છે. આણંદ તાલુકાની લાલપુર (ત્રણોલ) પ્રાથમિક શાળાના મદદનીશ શિક્ષક વિજયકુમાર રાવજીભાઇ ભોઇ, આણંદની આણંદ હાઇસ્કુલના આચાર્ય અમિતાભ જોસેફ મેકવાન, આણંદ તાલુકાના કરમસદની સજના તલાવડી પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક HTAT જિનેશા લાભચંદ્ર શાહ અને ખંભાત તાલુકાના ભુવેલ આદર્શ પ્રાથમિક શાળાના મદદનીશ શિક્ષક સૈયદ નિયામતઅલી મહંમદઅલીનો સમાવેશ થાય છે.
શાળામાં વિદ્યાર્થીઓની બચત બેન્કથી વાલીઓને કોરોનાકાળમાં આર્થીક મદદ મળી
આણંદ તાલુકાની લાલપુર (ત્રણોલ) પ્રાથમિક શાળાના મદદનીશ શિક્ષક વિજયકુમાર રાવજીભાઇ ભોઇની જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક-2021 માટે પસંદગી કરવામાં આવી છે. આ વિશે વિજયકુમારે જણાવ્યું હતું કે, કોરોના મહામારીને કારણે વિશ્વભરમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું. તે દરમિયાન બાળકો ઘરે રહીને કાંઈક નવીન પ્રવૃતિ કરે અને સમયનો સદુપયોગ કરી ઓનલાઈન અભ્યાસ કરે તે હેતુથી ધોરણ 3 થી 8ના વિદ્યાર્થીઓ માટે જનરલ નોલેજ ક્વિઝ બનાવવાની શરુઆત કરી હતી. આ ક્વિઝ શરુઆતમાં ફક્ત ચિત્ર જોઈને જવાબ આપવાના તેવી સરળ બનાવામાં આવી હતી. બાદમાં કોરોના, રામાયણ અને મહાભારત જેવા વિષય પણ ઉમેરવામાં આવ્યા હતા. 50 ટકાથી વધુ માર્ક્સ મેળવનારા વિદ્યાર્થીને ઈ-સર્ટીફીકેટ આપવામાં આવતું હતું. તે ઉપરાંત 2003 થી વિદ્યાર્થીઓ પાસેથી બચત બેન્ક બનાવડાવામાં આવી હતી. જેથી કરીને બાળકો બચત કરતા શીખે. આ બચત બેન્કમાં પોતાના બાળકો દ્વારા ભેગા થયેલી બચત તેમના વાલીઓને કોરોનાકાળ દરમિયાન ખુબ ઉપયોગમાં આવી હતી.
ધોરણ 10 અને 12ના નબળા વિદ્યાર્થીઓને આપે છે એક્સટ્રા કોચીંગ
આણંદની આણંદ હાઇસ્કુલના આચાર્ય અમિતાભ જોસેફ મેકવાન તેમની શાળામાં છેલ્લા 6 વર્ષથી ધોરણ 10 અને 12ના નબળા વિદ્યાર્થીઓને એક્સટ્રા કોચીંગ આપીને પરીક્ષામાં પાસ થવામાં મદદ કરે છે. આચાર્ય અમિતાભ જોસેફ મેકવાને જણાવ્યું હતું કે, આ પરીક્ષાની સાથે સાથે તેઓ વિદ્યાર્થીઓને વૃદ્ધાશ્રમ, દિવ્યાંગ બાળકોની શાળા વગેરે જગ્યાએ લઈ જઈને સોશિયલ વર્ક કરાવે છે. તેમની આ પ્રવૃત્તિથી અનેક વિદ્યાર્થીઓનું જીવન ઘડતર થયું છે. ખાસ કરીને નબળા વિદ્યાર્થીઓ કે જેઓએ ધોરણ 10 અને 12 માં નપાસ થવાના ડરે અભ્યાસ છોડી દેવા સુધી પહોંચી ગયાં હતાં પરંતુ જોસેફ મેકવાન દ્વારા વધારાના સમયમાં અભ્યાસ કરાવી તેમનો આત્મવિશ્વાસ વધાર્યો હતો. જેના પગલે વિદ્યાર્થીઓની કારકિર્દીનું ઘડતર થયું છે. આ ઉપરાંત તેમણે 5 નવલકથા, 1 વાર્તાસંગ્રહ, 1 લેખ-રેખાચિત્રો પણ લખ્યા છે.
455 દિવસ ઓનલાઈન કેમ્પ અને 150 જેટલી ઈનોવેટીવ રમત બનાવી
કરમસદની સજના તલાવડી પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક HTAT જિનેશા લાભચંદ્ર શાહે જણાવ્યું હતું કે, કોરોનાકાળ દરમિયાન બાળકો ભયમુક્ત વાતાવરણમાં રહે તથા ઘરે રહીને તેમનો સર્વાંગી વિકાસ થાય તે હેતુથી મારા અનુભવનું આકાશ નામનો ઓનલાઇન સમર કેમ્પ 2020ની શરૂઆત 31મી માર્ચ 2020થી કરવામાં આવી હતી. આ ઓનલાઈન કેમ્પમાં ધોરણ 1 થી 8 ના વિદ્યાર્થીઓનું વોટ્સઅપ ગ્રુપ બનાવીને દરરોજ વિદ્યાર્થીઓને એક ટાસ્ક આપવામાં આવતો હતો. જેમાં કોરોના ચિત્ર સ્પર્ધા, લાઈવ રમત, દેશભક્તિ ગીત હરીફાઈ, મધર્સ ડે, ફાધર્સ ડે, પર્યાવરણ દિન, જન્માષ્ટમી, ગણેશ ચતુર્થી જેવા તહેવારોની ઓનલાઈન ઉજવણી, પગના મોજા તથા નકામાં કપડામાંથી માસ્ક બનાવાની સપર્ધા વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓને બીજા દિવસે સાંજે પાંચ વાગ્યા સુધીનો સમય આપવામાં આવતો હતો. વિદ્યાર્થીઓએ પોતે કરેલા ટાસ્કના ફોટા કે વીડિયો બનાવી અને ગ્રુપમાં મોકલાવતા હતા. તે ઉપરાત 150 જેટલી વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ બનાવાની વિવિધ રમતો પણ બનાવામાં આવી હતી. આ ઉપરાંત ડીડી ગીરનાર પર હોમલર્નીંગ કાર્યક્રમ, રાજ્ય કક્ષાના ઇનોવેશન ફેર એવોર્ડ, અમદાવાદના IIM તરફથી યોજાયેલા લાઇવ વેબીનારમાં સો ટેલી રમતનું નિર્માણ કર્યું હતું.
છેલ્લા 5 વર્ષથી NMMS ની તૈયારી કરાવે છે
ખંભાત તાલુકાના ભુવેલ આદર્શ પ્રાથમિક શાળાના મદદનીશ શિક્ષક સૈયદ નિયામતઅલી મહંમદઅલીએ જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા 5 વર્ષથી દર રવિવારે શાળામાં વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષા નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશીપ (NMMS) ની તૈયારી કરાવે છે. અત્યાર સુધીમાં 15 વિદ્યાર્થીઓના નામ મેરીટ લિસ્ટમાં આવી ચુક્યા છે. આ પરીક્ષા આપવામાં વિદ્યાર્થીને રાજ્ય સરકાર તરફથી ધોરણ 9 થી 12 સુધી દર વરસે 12 હજાર લેખે કુલ રૂપિયા 48 હજારની શિષ્યવૃત્તિ મળે છે. ખંભાતમાં તેઓએ તાલુકા કક્ષાએ સ્પર્ધાત્મક પરીક્ષા NMMS માટે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 70 થી 75 વિદ્યાર્થીઓ અને વાલીઓ હાજર રહ્યા હતા. તે ઉપરાત છેલ્લા ચાર વર્ષમાં પાંચમાં ધોરણની નવોદયની પરીક્ષામાં ચાર બાળકો મેરીટમાં આવ્યાં હતાં અને અત્યારે તેઓ ભાદરણમાં ભણી રહ્યા છે. 2017 માં તેમને તાલુકા કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક પ્રાપ્ત થયો હતો.