ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2022 સુધીમાં ગુજરાતને મેલેરીયા મુક્ત કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે. જેના ભાગરૂપે આણંદ જિલ્લામાં કુલ 122 તળાવમાં આરોગ્ય વિભાગ અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે મચ્છરના પોરાનું રક્ષણ કરનારી ગપ્પી માછલીઓને છોડવામાં આવી રહી છે. મચ્છરના નિયંત્રણ માટે ગપ્પી માછલી એક કારગર પ્રયોગ સાબિત થાય છે. સામાન્ય રીતે વરસાદના વરસાદી પાણી ભરાઇ રહેવાના કારણે મચ્છરજન્ય રોગોનો ફેલાવો વધતો હોય છે. જેથી અનેક વાર બીમારીઓ અને રોગચાળો ફાટી નીકળવાની સંભાવના ઉભી થતી હોય છે.
આણંદ જિલ્લામાં વરસાદી ઝાપટા વચ્ચે ઠેર-ઠેર નીચાણવાળા વિસ્તારોમાં તેમજ છુટાછવાયા જળાશયોમાં વરસાદી પાણીની આવક થઈ છે. જેના કારણે નાળા, ખાડા, ખાબોચિયા અને નાના મોટા તળાવ સહિતની જગ્યાઓ પર વરસાદી પાણી ભરાઈ જતા આ પાણીમાં મચ્છરોનું એક સ્થાન તરીકે ઉભરી આવતા હોય છે. સામાન્ય રીતે આવા જળસ્રોતો મચ્છરોના પોરાનું પ્રમાણ વધી જતું હોય છે. જેના પરિણામે મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા જેવી બીમારી માથું ઉચકતી હોય છે. આવી બીમારીઓ ફેલાય તેના પહેલા જ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ગુજરાતના 2022 સુધીમાં મેલેરીયા મુક્ત બનાવવાના સંકલ્પને સાકાર કરવા પાણી પહેલા પાળ બાંધવાનું કામ કરવામાં આવ્યું છે. ભરાયેલા વરસાદી પાણીમાં મચ્છરના પોરા,ઈંડા વગેરે મચ્છરોનું ભક્ષણ કરતી માછલીઓ છોડવાનો પ્રયોગ હાલ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી રહ્યો છે.
આણંદ નગરપાલિકા દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં આણંદ જિલ્લાના સાંસદ મિતેશ પટેલ દ્વારા ગપ્પી માછલીને લોટેશ્વર મહાદેવ તળાવમાં છોડવામાં આવી હતી. જે કાર્યક્રમમાં આણંદ નગરપાલિકાના પ્રમુખ કાન્તિ ચાવડા સહિત શહેરના વિવિધ વિસ્તારના કાઉન્સિલરો તથા નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
આંણદના સાંસદ મિતેશ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાત સરકારે વર્ષ 2022 સુધીમાં ગુજરાતને મલેરિયા મુક્ત કરવાનો જે સંકલ્પ કરવામાં આવ્યો છે. તે ખુબ જ સરાહનીય છે અને તે બદલ તેમણે નગરપાલિકા અને સરકારનો આભાર માન્યો હતો.