આણંદ જિલ્લાના પેટલાદ ખાતે આવેલ રેલવે ફાટક ઉપર છેલ્લા ત્રણ વર્ષથી ખોરંભે પડતા સ્થાનિકો તથા વાહનચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. આમ તો પેટલાદના રહીશો દ્વારા પેટલાદ નાગરિક સમિતિનું નિર્માણ કરી રેલવે ઓવરબ્રિજ અંગે તંત્રને અનેક વખત રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઈ નક્કર પગલાં લેવામાં ન આવતા સ્થાનિકો દ્વારા 'રેલ રોકો આંદોલન'ની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.
જો કે, શનિવારની સવારે મોટી સંખ્યામાં સ્થાનિકો તથા પેટલાદના આગેવાનો વિવાદિત ઓવરબ્રિજ પાસે ટ્રેન રોકવા એકઠા થવા લાગ્યા હતા. જેના ભાગરૂપે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે અર્થે આણંદ જિલ્લાના પોલીસ જવાનો તથા રેલવે પોલીસ ફોર્સના જવાનોનો ભારે બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
રેલવે ડિપાર્ટમેન્ટ દ્વારા ડિવિઝન મેનેજર દ્વારા આ મામલે આણંદ જિલ્લા કલેકટરને સંબોધિત પત્ર 14 તારીખે મોકલી આપ્યો છે. જેમાં આગામી 7 દિવસમાં આ સમસ્યાનું નિરાકરણ લાવી આપવા બાહીધરી આપવામાં આવતા તંત્ર દ્વારા સ્થાનિકોને રજુઆત કરી આંદોલન મોકૂફ રાખવા અનુરોધ કરવામાં આવ્યો હતો.
જો કે, હાલ પૂરતું સ્થાનિકો દ્વારા 'રેલ રોકો આંદોલન' સમેટવામાં આવ્યું છે, પરંતુ સાથે સાથે તંત્રને 7 દિવસમાં તાકીદે સમસ્યાનું નિરાકરણ લાવવા અપીલ કરી હતી. સાથે સાથે જો આમ કરવામાં નહી આવે તો 7 દિવસ બાદ ઉગ્ર આંદોલન હાથ ધરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચારવામાં આવી હતી.