ભારતીય સંસ્કૃતિમાં પ્રાચીનકાળથી વૃક્ષોની ઉપાસનાનું મહત્વ રહ્યું છે. વનવિભાગ દ્વારા મહીસાગર વનમાં 27 નક્ષત્રોના આરાધ્ય એવા 27 જાતના વૃક્ષો અહીં વાવવામાં આવ્યા છે. આ ઉપરાંત ચંદન વન, રાશી વન, નવગ્રહ વન, વન કૈલાસ, સાંસ્કૃતિક વન, નિસર્ગ વન તથા જૈવિક વન જેવા વિવિધ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. મહીસાગર વનમાં ધ્યાન કુટીર ઉપરાંત બાળકો માટે બાળ કુટીર તેમજ રમત-ગમતના સાધનો પણ મૂકવામાં આવ્યા છે.
આ ઉપરાંત, વન્યપ્રાણીઓના આકર્ષણ માટે ડાયોગ્રામ શિલ્પો બનાવવામાં આવ્યા છે. જે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. અહીં આવતા પ્રવાસીઓને વનમાં પ્રવેશ દ્વાર પર વનવિભાગ દ્વારા નિઃશુલ્ક છાશનું વિતરણ કરવામાં આવે છે. પ્રવાસીઓ આનંદ માણી શકે તે માટે ઝરૂખા તેમજ બર્ડ વોચ ટાવર પણ ઉભા કરવામાં આવ્યા છે. સ્થળાંતરિત પક્ષીઓ માટે પણ આ સ્થળ આકર્ષણનું કેન્દ્ર બને છે. પ્રકૃતિ અહીં સોળે કળાએ ખીલી છે અને અલભ્ય પક્ષીઓ વાનરો તથા અન્ય વન્ય જીવો માટે ખૂબ સરસ અને સુંદર આવાસ ઉભો થવા પામ્યો છે.
મહીસાગર વનનું લોકાર્પણ ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન આનંદીબેન પટેલના હસ્તે વર્ષ 2016માં કરવામાં આવ્યું હતું. અત્યાર સુધી અહીં ત્રણ લાખથી પણ વધારે પ્રવાસીઓએ વનની મુલાકાત લઈ ચૂક્યા છે. વન સંપૂર્ણપણે નિઃશુલ્ક હોવાથી પ્રવાસીઓ માટે ખાસ આકર્ષણ ઉભું કરે છે. વનમાં વૃક્ષો અને તેના ગુણો વિશે વિગતવાર માહિતી મળતી હોવાથી બાળકોને પણ અહીં જ્ઞાન સાથે ગમ્મત બંનેનો લાભ મળે છે. મહીસાગર વન આણંદ જિલ્લામાં મહત્વનું પર્યટક સ્થળ બનીને ઉભરી આવ્યું છે.