વરસાદના કારણે શહેરના પાંચવડ વિસ્તાર, આણંદ ચોકડી, વાસદ ચોકડી, વહોરા સોસાયટી માર્ગ, ભોભાફળી, ટાઉનહોલ રોડ સહિતના માર્ગો પર પાણી ફરી વળ્યા હતા. જો કે વરસાદે વિરામ લીધા બાદ પાણી ઓસર્યા હતા.શહેરની વહોરા સોસાયટી, અમલીવાલા પાર્ક, ગુલમહોર સોસાયટી સહિતના વિસ્તારોમાં રાત્રિ દરમ્યાન કેડસમા પાણી ભરાઇ ગયા હતા. આજે સવાર સુધી પાણી ન ઉતરતા સ્થાનિકોને ઘુંટણસમા પાણીમાં અવરજવરની પરેશાની વેઠવી પડી હતી.
આ વિસ્તારમાં આવેલ કુરાઇ તલાવડીમાંથી વરસાદી પાણી ભરાયા બાદ કાંસમાં થઇને આગળ વહી જાય છે. જો કે કાંસમાં લોકો મત્સ્યોદ્યોગ કરતા હોવાથી પુરાણ કરી દેવાયું હતું. જેથી તલાવડીમાંથી પાણી આગળ વહેતું નથી. ઉપરાંત તંત્ર દ્વારા પ્રિમોન્સૂન કામગીરી દરમ્યાન અહીંથી પસાર થતા કાંસની સફાઇ કરવામાં આવી ન હતી. આથી તલાવડીમાં ભરાયેલા પાણી પાછા પડતા માર્ગો પર સવાર સુધી પાણી ઓસર્યા ન હતી. આથી તંત્રની કામગીરી સામે સ્થાનિકોમાં રોષ વ્યાપ્યો હતો.
વરસાદી પાણી સાથે ગટરો ઉભરાતા પરેશાનીમાં વધારો થયો હતો,બોરસદની વાસદ ચોકડી પાસે આવેલ સોસાયટીઓમાં જવાના મુખ્ય પ્રવેશ માર્ગ પર વરસાદી પાણી ભરાઇ ગયા હતા. જેનો નિકાલ ન થવાના કારણે સ્થાનિકોને પાણીમાંથી અવરજવર કરવી પડી હતી. ઉપરાંત સરકારી વસાહત પાસે આવેલ ગટરો ઉભરાતા તેનુ ગંદુ પાણી વરસાદી પાણીમાં ભળી ગયું હતું. આથી દૂષિત અને દુર્ગધયુકત પાણીમાંથી સ્થાનિકોને અવરજવર કરવી પડી હતી. વસાહતમાં રહેનારાઓએ જણાવ્યું હતું કે, આ અંગે અગાઉ પાલિકામાં રજૂઆત કરી હતી. પરંતુ કોઇ કાર્યવાહી ન થવાના કારણે આજે વસાહતમાં ચારેબાજુ પાણી ભરાઇ ગયા છે અને તેમાંયે ઉભરાતી ગટરોના કારણે પરેશાનીમાં વધારો થાય છે.