- આજે સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ દિવસ
- દેશની આઝાદીમાં વલ્લભભાઈ પટેલનો અમૂલ્ય ફાળો
- ઉદ્યોગ ક્ષેત્રે પણ કરમસદનું ખુબ મોટુ યોગદાન
આણંદ : આજે 31 ઓક્ટોબર એટલે સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ દિવસ. ભારત દેશની આઝાદીમાં સરદાર વલ્લભભાઈ પટેલનો અમૂલ્ય ફાળો રહેલો છે. સરદાર પટેલનો જન્મ ખેડા જિલ્લાના નડિયાદ ખાતે થયો હતો. તેમનું વતન હાલ આણંદ જિલ્લામાં આવેલ કરમસદ મુકામે છે.
કરમસદ ગામમાં સરદાર વલ્લભભાઈ પટેલનો ઉછેર થયો હતો. તેમના બાળપણ અને તેમની સાથે સંકળાયેલા મહત્તમ યાદોને ગામલોકોએ સાચવીને રાખી છે. સરદાર પટેલના ઘરને આજે પણ સરદાર સ્મારક તરીકે ગામલોકો ટ્રસ્ટ બનાવીને સાચવી રહ્યા છે. આ સાથે જ તેમના બાળપણની શાળા જ્યાં તેમને ધોરણ 1 થી 5 સુધી અભ્યાસ કર્યો હતો. તેને સરદાર સ્મૃતિ શાળા તરીકે એક સંભારણું બનાવી સાચવી રાખવામાં આવી છે. ગામના ચરામાં વર્ષ 2000 માં સરકારી ગ્રાન્ટમાંથી સરદાર મેમોરિયલ બનાવવામાં આવ્યું છે. જે ગામના મુલાકાતીઓને સરદારના મજબૂત મનોબળ અને તેમના રાષ્ટ્રપ્રેમની ઝાંખી કરાવે છે.
આરોગ્ય અને ઉદ્યોગમાં આણંદ જિલ્લામાં અગ્રેસર કરમસદ
કરમસદ ગામમાં આવેલ શ્રી કૃષ્ણ મેડિકલ હોસ્પિટલ સમગ્ર જિલ્લા અને આસપાસના પણ વિસ્તારોમાંથી આરોગ્યલક્ષી સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં ખૂબ જ પ્રચલિત બન્યું છે. કરમસદ મેડિકલ તરીકે જાણીતા બનેલા આ હોસ્પિટલમાં આધુનિક સારવારની સુવિધા ઉપલબ્ધ છે. આ સાથે જ આ હોસ્પિટલમાં મેડિકલ કોલેજ પણ આવેલી છે. જે દેશને સારા ડોક્ટર પુરા પાડવા પ્રયત્નશીલ રહે છે. ઉદ્યોગ ક્ષેત્રે પણ કરમસદનું ખુબ મોટુ યોગદાન છે. નાના મોટા ઉદ્યોગો મળી કરમસદની આસપાસ રોજગારીના સારા વિકલ્પો વિકસ્યા છે.
આણંદ અને વિદ્યાનગરથી નજીકનું નગર
વિદ્યાનગરના નિર્માણમાં કરમસદના નાગરિકોએ વિશેષ યોગદાન આપ્યું હતું. જેના કારણે આજે દેશના કહી શકાય કે, પ્રથમ પ્લાન ટાઉન પ્લાનિંગનું નિર્માણ શક્ય બન્યું. આ સાથે જ સરદાર પટેલ દ્વારા પશુપાલકો અને ખેડૂતોને આર્થિક મજબૂત બનાવવા માટે ત્રિભુવનદાસ પટેલ સાથે મળી સ્થાપેલી અમુલ ડેરી પણ આજે આણંદના વિકાસ માટે મોટું યોગદાન આપી રહ્યા છે.