આણંદ: કલમસર ગામમાં આવેલી જય કેમિકલ નામનીનe કંપનીના ગોડાઉનમાં શનિવારે રાત્રે 8:30 થી 9:00 વચ્ચે આગની ઘટના બની હતી. જેણે ભીષણ સ્વરૂપ ધારણ કર્યું હતું. જય કેમિકલ કંપનીમાં ફાયર વિભાગ છે. જેના કર્મચારીઓની લાપરવાહી કહો કે અન્ય કારણો પરંતુ આગે એટલું વિકટ સ્વરૂપ ધારણ કર્યું કે નિયંત્રણ લાવવા 15 જેટલા ફાયર ફાયટર બોલાવવાની જરુર પડી હતી.
આગ એટલી ભયાનક હતી કે, આસપાસના વિસ્તારમાં રહેતા નાગરિકો પોતાના ઘરમાંથી બહાર આવી ગયા હતા. કેમિકલ ગોડાઉનમાં આગ લાગી હોવાથી ખુબજ ઝેરી ધુમાડો ઉઠ્યો હતો. જેને કારણે આસપાસના ગામડામાં રહેતા લોકોને આંખોમાં અસહ્ય બળતરા થવાની ઘટનાઓ પણ બની હતી. આગપર કાબુ મેળવવા માટે આણંદ, ખંભાત, બોરસદ, પેટલાદ, ધુવરણ, કરમસદ, વિદ્યાનગર, સોજીત્રા, ખંભાત ONGC વગેરે ફાયર બ્રિગેડના ફાયર ફાઈટર ઘટના સ્થળે આવી ગયા હતા. 10 કલાકની ભારે જહેમત બાદ આગ પર થોડો કાબૂ મેળવ્યો હતો. જેમાં લાખો લીટર પાણી અને ફોગનો ઉપયોગ કરવાની ફરજ પડી હતી.
જય કેમિકલના ગોડાઉનમાં લાગેલી આ ભીષણ આગમાં કંપનીના માલ સમાનને ભારે નુકશાન થયું છે, પરંતુ હજુ સુધી સદનસીબે કોઇ કર્મચારીને ઇજા કે દાઝ્યા હોવાની જાણકારી પ્રાપ્ત થઈ નથી. હાલ કંપનીમાં ઈન્સ્ટોલ ફાયર હાઇડરા સિસ્ટમના કારણે આગ ઓલવવામાં થોડી સરળતા રહી હતી પરંતુ આગ લાગવા અને આટલું ભીષણ સ્વરૂપ ધારણ થવા પાછળના કારણ વિશે કોઈ સત્તાવાર માહિતી પ્રાપ્ત થઈ રહી નથી.
આ સમગ્ર ઘટનામાં ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ અને ઇન્ડસ્ટ્રીયલ સેફટી ઇન્સપેક્ટર દ્વારા ભેદી મૌન ધારણ કરી લેતા અનેક સવાલો ઉભા થયા હતા. ચર્ચાઈ રહ્યું છે કે હજુ થોડા દિવસો પહેલા આ કંપનીનું સેફટી ઓડિટ કરવામાં આવ્યું હતું. તેમાં કોઈ સમસ્યા બહાર આવી ન હતી. છેલ્લા ઘણા સમયથી ખંભાત પાસે આવેલી કંપનીઓમાં આગ અને અકસ્માતની ઘટનાઓ બનતી રહી છે, પરંતુ ફેકટરી ઇન્સપેક્ટર અને GPCB જાણે કોઈ સખત પગલાં ભરવામાં નિષ્ફળ સાબિત થતા હોય તેમ લાગી રહ્યું છે.
કલમસરની જય કેમિકલ અગાવ પણ અનેક વિવાદોમાં આવી ચૂકી છે.સ્થાનિક નાગરિકો આ કંપની માંથી આવતી દુર્ગંધ અને પ્રદુષિત પાણી ને લઇ અનેક ફરિયાદો કરી ચુક્યા છે, પરંતુ તંત્ર કોઈ સંતોષકારક કામ કરી શક્યું નથી. ત્યારે કંપનીને લઇ સ્થાનિક લોકોમાં પણ ભારે રોષ ફેલાયેલો રહે છે.
આ સમગ્ર મામલે ફેકટરી સેફટી ઓફિસર જેજે પટેલે જણાવ્યું હતું કે, આગ લાગવાનું કારણ હજુ ખબર નથી. સણગ્ર તાપસ થશે અને સલામતી અંગેની થયેલ ઓડિટની માહિતી પણ તેમની પાસે ન હોવાનું જણાવ્યું હતુ.
આવા ગેરજવાબદાર અધિકારીની લાપરવાહીનો ભોગ તો નહીં બન્યું હોય ને જય કેમિકલ તેવો સવાલ ઉઠ્યો હતો. તો બીજી તરફ ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ ના કર્મચારી એ તો મીડિયા સમક્ષ આવવા નુ જ ટાળ્યું હતુ. આ તમામ વચ્ચે હાજરી કામદારો જીવન જોખમે જય કેમિકલ જેવી મોટી કંપનીઓમાં ફરજ બજાવે છે. ઘણા કિસ્સામાં આવા આવા અકસ્માતમાં ભોગ બનતા હોય છે.
સદનસીબે કલમસરની જય કેમિકલમાં લાગેલી આ આગમાં કોઈ કર્મચારીના મૃત્યુના સમાચાર નથી, પરંતુ આગમાં સંપૂર્ણ ગોડાઉન બળી ને ખાખ થઈ જતા કંપની ને ભારે નુકશાન થયું હોવાની શક્યતા રહે છે. અકસ્માતની ઘટનાઓમાં આવી કેમિકલ કંપનીની સલામતી માટે જવાબદાર સરકારી વિભાગો સક્રિય બની કામગીરી કરે તેવી માંગ ઉઠી છે.