આણંદ: પેટલાદ-ખંભાત રોડ ઉપર આવેલા શાહપુર પાટીયા પાસે પુરપાટ ઝડપે જતી ઈકો કારે બાઈકને ટક્કર મારતાં ધર્મજના પિતા-પુત્રીના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે માતાને ઈજાઓ થતા સારવાર માટે પેટલાદની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. આ અંગે પેટલાદ શહેર પોલીસે ઈકો કારના ચાલક વિરૂદ્ઘ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે.
ઘટનાની મળતી વિગતો મુજબ ધર્મજ ગામે રહેતા કનૈયાલાલ ઠાકોર (ઉ. વ. ૩૩), પેટલાદના ચાવડી બજારમાં દૂધ-દહીની દુકાન ચલાવીને જીવન ગુજરાન ચલાવે છે. આજે સવાસના સુમારે તેઓ પત્ની રોશનીબેન અને નાની પુત્રી અવની (ઉ. વ. ૩)ને બાઈક પર બેસાડીને કામ અર્થે નીકળ્યા હતા. તેઓ સાડા અગિયાર વાગ્યે પેટલાદ-ખંભાત રોડ ઉપર આવેલા શાહપુર પાટીયા નજીકથી પસાર થઈ રહ્યા હતા ત્યારે પુરપાટ ઝડપે આવી ચઢેલી ઈકો કાર અને બાઈક વચ્ચે ટક્કર થતાં માતા-પિતા અને પુત્રી ત્રણેય રોડ ઉપર ફંગોળાયા હતાં. જેમાં કનૈયાલાલ તેમજ અવનીને માથામાં અને શરીરના ભાગે ગંભીર ઈજાઓ થવા પામી હતી. જ્યારે રોશનીબેનને સામાન્ય ઈજાઓ થવા પામી હતી.
