- આણંદમાં આગામી દિવસોમાં ફાસ્ટટેગ ફરજિયાત બનશે
- લોકલ સાધનોના ડિસ્કાઉન્ટેડ ચાર્જ કાપવા સ્થાનિકોની માંગ
- વાસદ ટોલ પ્લાઝા આવી શકે વિવાદમાં
- 20 કિલોમીટરમાં આવતા તમામ લોકોને અપાશે લાભ
- સ્થાનિક સાધનોના નિર્ણયને લઈ તંત્ર અસમંજસમાં
આણંદ : આગામી દિવસોમાં દેશના તમામ ટોલ પ્લાઝાને ફાસ્ટેગથી આવરી લેવામાં આવશે. ગત વર્ષે 15 ડિસેમ્બરથી સરકાર દ્વારા ટોલ નાકા પર ફાસ્ટેગને ફરજીયાત કરવામાં આવ્યો હતો. શરૂઆતના સમયે 14 જાન્યુઆરી 2020 સુધીની મુદ્દત આપવામાં આવી હતી. જે ક્રમશ વધારી 1 જાન્યુઆરી 2021 સુધી લંબાવવામાં આવી હતી.
આખા માસ દરમિયાન અનલિમિટેડ અવર જવર કરી શકશે
આણંદ જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઇવે 48 પર આવેલ વાસદ ગામ પાસે irb નું ટોલ બુથ આવેલું છે. જ્યાં અમદાવાદ અને વડોદરા તરફથી આવતા વાહનો પાસે થી 125 રૂપિયા ટોલ વસુલવામાં આવે છે. આણંદ જિલ્લાના રજિસ્ટ્રેશન ધરાવતા સાધનોને આ દરમાં 50 ટકાની રાહત આપવામાં આવતી હતી. જે મુજબ ટોલ પર આવેલ 14 લેનમાં 2 લેન અપ અને 2 લેન ડાઉનને રોકડ માટે ફાળવવામાં આવી હતી. જેમાં ફાસ્ટેગ વગરના સાધનોને રોકડ વ્યવહારથી ટોલ ટેક્સ વસૂલી પસાર કરવામા આવતા હતા. જે આગામી 1 જાન્યુઆરીથી બંધ થઈ ફરજીયાત ફાસ્ટેગમાં રૂપાંતરિત કરવામાં આવનાર છે. આણંદ ટોલ પ્લાઝાના અધિકારીના જણાવ્યા અનુસાર આ ટોલ ટેક્સ પર 20 કિલોમીટરની ત્રિજ્યામાં રહેતા સ્થાનિકો વિશે પાસ બનાવી આપવામાં આવશે. જેમાં માસિક 275 રૂપિયા આ પાસથી તે આખા માસ દરમિયાન અનલિમિટેડ અવર જવર કરી શકશે. આ સાથે જ આણંદ જિલ્લાના ટ્રાન્સપોર્ટના સાધનો જેની પીળી નંબરપ્લેટ હશે તેમને પણ 50 ટકા રાહતથી વાસદ ટોલ પર ફાસ્ટેગ માં આવરી લેવામાં આવશે.
ફાસ્ટેગના ફરજીયાત થયા સામે સ્થાનિક રહીશોનો વિરોધ
આ અંગે વાસદ ટોલથી નજીકમાં આવેલ ગામો જેવા કે, અડાસ, મોગર, રામનગર વગેરે ગામોએ આ અંગે વિરોધ નોંધાવ્યો છે. આ ફાસ્ટેગના નિયમના વિરોધમાં સરકાર તેમજ તંત્રને રજૂઆત કરી ટોલ પ્લાઝાથી નજીકમાં આવેલ ગામોને આ ટેક્સમાંથી બાકાત રાખવા માંગ ઉઠવા પામી છે. આ અંગે વાસદ ટોલ પછી પહેલા આવતા અડાસ ગામના અગ્રણી પિયુષ રાજના જણાવ્યા અનુસાર ફાસ્ટેગ કરવાથી ટોલની નજીકના ગામોના રહીશોને વધારાનું આર્થિક ભારણ સહન કરવાની ફરજ પડશે. આ માટે આ અંગે સરકારમાં રજૂઆત કરીને આ અંગે ચોક્કસ સમાધાન લાવવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. જે અંગે યોગ્ય નિર્ણય આવે તેની સ્થાનિકો રાહ જોઈ રહ્યા છે. આ સાથે જ પિયુષ રાજે ઉમેર્યું હતું કે, જો સરકાર આનો યોગ્ય નિર્ણય નહીં કરે તો ગાંધી ચિધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
વાસદ ટોલ પાસે ઘણા લોકોની ફરિયાદ
ઉલ્લેખનીય છે કે, વાસદ ટોલ પ્લાઝામાંથી પસાર થતા સાધનોમાં હાલની પરિસ્થિતિ મુજબ 70 ટકા જેટલા સાધનોમાં ફાસ્ટેગ જોવા મળી રહ્યા છે. હાલ 22 જેટલી અધિકૃત બેંકો અને પેમેન્ટ બેંકો (પેમેન્ટ એપ્લિકેશન) ને ફાસ્ટેગ ઈશ્યુ કરવા સત્તા આપવામાં આવી છે. આણંદમાં આવેલ વાસદ ટોલ પ્લાઝા પાસે પણ તાત્કાલિક ફાસ્ટેગ લગાવવા માટે બેન્ક અને પેમેન્ટ બેંકો દ્વારા બુથ ઉભા કરી સુવિધા આપવામાં આવી રહી છે. વાસદ ટોલ પાસે માસિક પાસ બનાવવા પણ જિલ્લામાંથી આવતા સાધન માલિકો લાઈનમાં જોતરાઈ ગયેલા નજરે પડયા હતા. આણંદના રહેવાસી દિનેશભાઈએ જણાવ્યું હતું કે, ફાસ્ટેગથી સમય અને ઇંધણ બંનેની બચત થાય છે. આ સાથે જ રોકડ વ્યવહાર નહીં થતા હોવાથી તે વધુ સુવિધા ઉપલબ્ધ કરાવી લાઇનમાં ઉભા રહેવાથી રાહત અપાવે છે. વાસદ ટોલ પાસે ઘણા લોકો ફરિયાદ લઇને પણ પહોંચ્યા હતા. જેમાં પૈસાની વસૂલાત અને તેના મેસેજ ન મળતા હોવાની ફરિયાદ પણ ઉઠવા પામી હતી. જ્યાં વાહનચાલકો દ્વારા અધિકૃત કર્મચારીઓ દ્વારા પુરી માહિતી આપવામાં ન આવતી હોવાની જાણકારી આપવામાં આવી હતી.
વાસદ ટોલ પર દૈનિક 15 થી 20 હજાર સાધનોની અવર જવર
હાલ વાસદ ટોલના જવાબદાર અધિકારી દ્વારા જણાવ્યા અનુસાર હાલમાં વાસદ ટોલ પર દૈનિક 15 થી 20 હજાર સાધનોની અવર જવર રહે છે. જેમાં અંદાજીત 70 ટકા જેટલા સાધનોમાં ફાસ્ટેગ લાગેલા હોય છે. સામાન્ય રીતે હાલ રોકડની લાઈનમાં દર 50 સેકન્ડે એક સાધન પસાર થઈ શકે છે. જે સામે ફાસ્ટેગમાં દર 15 થી 20 સેકન્ડમાં સાધન પસાર થઈ શકે છે. જેમાં સમય અને ઉભા રહેવામાં બળતણ અને ઇંધણ બંનેની બચત થાય છે.