- આંકલાવમાં બે શ્રમજીવી મહિલાના મોત
- ભેખડ ધસી પડતાં મહિલાઓ દટાઈ હતી
- માટીના ખોદકામ દરમિયાન દટચાઈ હતી મહિલાઓ
આંકલાવ: મૂળ દાહોદ જિલ્લામાંથી આણંદ જિલ્લામાં મજૂરી કામઅર્થે આવેલા શ્રમજીવી પરિવારોની બે મહિલાઓના દટાઈ જતાં ઘટનાસ્થળે જ મોત થયા હતા. બન્ને શ્રમજીવી મહિલાઓ સ્થળ ઉપર ખોદકામ કરી રહી હતી ત્યારે એકાએક ભેખડ ધસી પડી હતી. જેમાં દટાઈ જતાં બન્ને મહિલાઓના મોત થયા હતા.
કામ કરતાં પાંચ જેટલા શ્રમજીવી ભેખડ ધસી પડવાની ઘટનાનો ભોગ બન્યા
મળતી માહિતી મુજબ મુજબ મૂળ દાહોદ જિલ્લાના રહેવાસી અને આંકલાવમાં મજૂરી અર્થે આવેલા શ્રમજીવી પરિવારના બે સભ્યો આંકલાવના વડહર તળાવ વિસ્તારમાં ખોદકામ કરી રહ્યા હતા ત્યારે સવારમા પહોરમાં આ દુર્ઘટના બની હતી. ઘટના સ્થળે કામ કરતાં પાંચ જેટલા શ્રમજીવી ભેખડ ધસી પડવાની ઘટનામાં ભોગ બન્યા હતા. જેમાંથી બે મહિલાઓના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે ત્રણ શ્રમજીવીને સામાન્ય ઈજાઓ થઈ હતી. જેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
મૃતકના પરિવારમાં માતમ છવાયો
મૂળ દાહોદ જિલ્લાનો શ્રમજીવી પરિવાર આંકલાવ ખાતે મજૂરી કામ કરતો હતો અને પોતાનું જીવન ગુજરાન ચલાવતા હતા. પરંતુ ભેખડ ધસી પડવાની દુર્ઘટનામાં શ્રમજીવી પરિવારની બે મહિલાઓના મોત થતા ભારે માતમ છવાઈ ગયો છે. ઘટના અંગે જાણ થતાં જ આંકલાવ મામલતદાર સહિત વહીવટી તંત્ર તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયું હતું. આંકલાવ પોલીસે પણ ઘટનાસ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ઘટનામાં ભોગ બનેલી બન્ને મહિલાઓના મૃતદેહને ભેખડમાંથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે આંકલાવ સરકારી દવાખાને મોકલવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરવામાં આવી હતી.