આણંદઃ અમૂલ ડેરી કોઓપરેટિવ મોડેલ પર ચાલે છે. જેમાં લાખો પશુપાલકો દ્વારા થોડું થોડું દૂધ જમા કરવામાં આવે છે. જે એક સિસ્ટમ થકી ગ્રાહકો સુધી પહોંચે છે. અમૂલ ડેરીમાં લાખો પશુપાલકો દૂધ જમા કરાવે છે. તેની સામે કરોડો લોકો આ દૂધને ખરીદે છે. પરંતુ અમુલ લાખો પશુપાલકો અને કરોડો ગ્રાહકોને જોડતી કળી સમાન છે. જેનું સંચાલન ડિમાન્ડ અને સપ્લાયના સમતોલન થકી શક્ય બનતું હોય છે.
વર્તમાન સમયમાં વિશ્વમાં ચાલી રહેલા કોરોનાના કહેર સામે લડત આપવા માટે ભારત સરકારે ઘણા નવતર પ્રયોગો કર્યા અને મહદ અંશે તે ઘણા કારગર પણ નીવડ્યા છે. પરંતુ તેની સાથે ઘણી અફવાઓને પણ વેગ મળ્યો હતો. તેમની જ એક એવી પણ અફવા આવી હતી કે, અમૂલ ડેરી તેના દૂધનું વિતરણ બંધ કરી દેશે. જેના પરિણામે અમુલ સાથે સંકળાયેલા બન્ને વર્ગ પશુપાલકો અને ગ્રાહકો મુંઝવણમાં મૂકાઇ ગયા હતા. જે અંગે GCMMFના MD ડો. આર.એસ. સોઢીએ સ્પષ્ટતા કરી હતી.
ડૉ. આર.એસ. સોઢીએ સોમવારે મીડિયા સમક્ષ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, સરકાર દ્વારા લેવામાં આવેલા તમામ નિર્ણયોમાં કોઈ પણ એવી જાહેરાત કરવામાં નથી. દૂધ ડેરીને બંધ કરવી, અમૂલ રાબેતા મુજબ ચાલુ જ રહેશે. લાખો પશુપાલકો પાસેથી નિયમિત દૂધની ખરીદી યથાવત રાખી અને તેનું વેચાણ પણ ગ્રાહકો માટે ચાલુ રહેશે. દૂધ એ જીવન જરૂરી ચીજવસ્તુઓમાની એક છે. જેથી તેનું વેચાણ બંધ કરી ન શકાય અને તે અંગે ઉત્પાદકો કે, ગ્રાહકોએ કોઈજ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી અને ખોટી વાતોમાં આવી દૂધની ખરીદી જરૂર કરતાં વધારે કરવાની પણ જરૂર નથી.
ડૉ. સોઢીએ વધુમાં જણાવ્યું હતું કે, બે દિવસમાં અમુલ દ્વારા દૂધની સપ્લાયમાં 15 ટકાનો વધારો કરી દેવામાં આવ્યો છે. જે લોકોને માટે પૂરતો છે અને જો જરૂર જણાશે, તો તેને 100 સુધી વધારી દેવા માટે પણ અમૂલ તૈયાર છે. તેમણે જણાવ્યું હતું કે, અમૂલ દૂધ સાથે સાથે પનીર, ઘી, છાસ, અમૂલ ટેટ્રાપેક તમામ પ્રોડક્ટનો જથ્થો ઉપલબ્ધ છે. તેમ કોઈ જ પ્રકારની અછત સર્જાશે નહીં માટે પ્રજા અને પશુપાલકો બન્નેને સોઢીએ અપીલ કરી હતી કે, અફવાઓમાં વિશ્વાસ ન કરવો અને દૂધને લઈ કોઈ ચિંતા કરવી નહીં.