આણંદઃ વર્તમાન કોરોના કહેર વચ્ચે ગણેશ ચતુર્થીના ઉત્સવને પણ ગ્રહણ લાગ્યું હતું. જે પ્રમાણે જાહેર સ્થળો પર યુવક મંડળો તથા શેરી મહોલ્લાના યુવાનો દ્વારા મોટા પંડાલ બનાવી ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવતી હતી. તેના બદલે આ વર્ષે કોરોના મહામારીના કારણે સરકાર દ્વારા મોટા ઉત્સવ પર પ્રતિબંધ લગાવ્યો હતો. આ તહેવાર તેના મૂળભૂત રીતે ઉજવાઇ શક્યો ન હતો.

સરકારના પ્રતિબંધના કારણે જ્યારે મોટા ઉત્સવ અને પંડાલમા ગણેશજીની સ્થાપના થઇ શકી ન હતી. પરંતુ ભક્તો દ્વારા માટીના નાના કદની પ્રતિમા સ્વરૂપે ગણેશજીનું ઘરમાં સ્થાપન કરી દસ દિવસ પુજા અર્ચના કરવામાં આવી હતી. અને આજે મંગળવારના રોજ અંતિમ દિવસ હોવાથી વિઘ્નહર્તા ગજાનંદને શ્રદ્ધાભેર જળ સ્ત્રોતમાં વિસર્જન કરવામાં આવ્યું હતું.

આણંદના નાગરિકોએ સરકારી નિયમોનું ધ્યાન રાખી સોશિયલ ડિસ્ટનસિંગ સાથે ગજાનંદ ગણપતિની પ્રતિમાને આણંદ નગરપાલિકાના સહયોગથી ગોયા તળાવમાં વિસર્જન કર્યું હતું. જેમાં આણંદ પોલીસ વિભાગ દ્વારા બંદોબસ્ત ગોઠવી સોશિયલ ડિસ્ટનસિંગનું ઉલ્લંઘન ન થાય સાથે જ કોરોના મહામારીનું સંક્રમણ ન ફેલાય તે રીતે મૂર્તિઓને વિસર્જન માટે તળાવ સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરી હતી.
સરકાર તથા સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા ગણેશ વિસર્જનને લઇ કોઈ પ્રકારના જાહેરમાં મેળાવણા કરવા પર સાથેજ સભા, સરઘસ પર પણ પ્રતિબંધ હોવાથી ગજાનંદના વરઘોડા શહેરના રાજ માર્ગો પર નીકળ્યા ન હતા અને તંત્ર એ પણ ભક્તોને જાહેર મેળાવણા ન થાય તે પ્રકારની તકેદારી રાખી હતી.