- કતલખાનમાંથી એક ગાય અને વાછરડું ગળેથી કાપેલી હાલતમાં મળી આવ્યા
- પોલીસના દરોડા પડતા 2 આરોપીઓ ઝડપાયા જ્યારે એક ફરાર થવામાં સફળ
- ઘટના સ્થળ પરથી એક ધારદાર છરો, ત્રણ છરીઓ અને એક અણીદાર સળિયો મળી આવ્યા
આણંદઃ ગાયને ભારત દેશમાં માતા માનવામાં આવે છે, હિન્દુઓની ધાર્મીક લાગણી ગાય સાથે જોડાયેલી છે. ગાય કે ગૌવંશની હત્યા કરવી તે ભારતમાં અપરાધ માનવામાં આવે છે અને સરકાર દ્વારા આ અંગે કાયદામાં સુધારા કરી આવી ક્રૂર ગતિવિધિ પર રોક લગાવવા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. પરંતુ સરકારના નીયમોની એસીતેસી કરતા અનેક કિસ્સામાં ગાયની હત્યાની ઘટનાઓ સામે આવતી હોય છે. જેમાં પોલીસ અને ગૌરક્ષકોની દખલગિરીથી આવા અપરાધીઓ કાયદાની ઝપેટમાં આવી જતા હોય છે. આવોજ એક કિસ્સો આણંદમાં સામે આવ્યો છે.
આણંદ શહેર મધ્યમાં આવેલા પોલસન ડેરી રોડ ઉપર ખાટકીવાડમાં મંગળવારે સવારે એક ગાય અને વાછરડાની હત્યા કરી નાખવામાં આવતા અરેરાટી વ્યાપી હતી. ગૌરક્ષક દળ અને શહેર પોલીસે બે વાછરડાની હત્યા થતી અટકાવીને તેમને પાંજરાપોળમાં મોકલી આપવાની તજવીજ હાથ ધરી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર, ગૌરક્ષક દળના સભ્યોને બાતમી મળી હતી કે, ખાટકીવાડમાં આવેલી મોબીન મસ્જિદ પાસે રહેતા ઈશાકભાઈ સીદ્દીકભાઈ કુરેશી, સીદ્દીકભાઈ અબ્દુલભાઈ કુરેશી અને નૌશાદભાઈ સત્તારભાઈ કુરેશી દ્વારા ગાયો અને ગૌવંશ લાવીને હત્યા કરી તેના માંસનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. જેથી પોલીસે આઠેક વાગ્યાના આસપાસ દરોડો પાડતાં જ સિદ્દીક અને નૌશાદ ઝડપાયા હતા જ્યારે ઈશાક ફરાર ગયો હતો. પોલીસે પતરાના શેડની અંદર જોતાં જ એક ગાય અને એક વાછરડું ગળાથી કાપેલી હાલતમાં મૃત મળી આવ્યા હતા. જ્યારે બે વાછરડાં દોરડાથી બાંધેલી હાલતમાં જીવતા મળી આવ્યા હતા.
પોલીસને સ્થળ પરથી એક ધારદાર છરો, ત્રણ છરીઓ, એક અણીદાર સળીયો વગેરે હથિયારો મળી આવ્યા હતા. જે ઝપ્ત કરીને ત્રણેય વિરૂદ્ઘ ગૌવંશ હત્યાની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે.