- આણંદ જિલ્લામાં કોરોના સંક્રમણ પહોંચ્યું શૂન્ય પર
- સમગ્ર જિલ્લામાં એકપણ કોરોનાનો દર્દી સારવાર હેઠળ નથી
- અંતિમ દર્દીને રજા આપવામાં આવતા દર્દીઓનો આંક શૂન્ય થયો
આણંદ: છેલ્લા દોઢ વર્ષથી દેશ કોરોના રૂપી અદ્રશ્ય દુશ્મન સામે લડી રહ્યો છે. રાજ્યમાં કોરોનાની બીજી લહેરે મચાવેલા મોટના તાંડવ બાદ ધીમું પડેલું કોરોના સંક્રમણનું મોજાએ લોકોને રાહત આપી છે. આણંદ જિલ્લામાં કોરોનાની મહામારી શરૂ થયા બાદ 48 જેટલા લોકોએ સરકારી રેકોર્ડ પર જીવ ગુમાવ્યા હોવાનું તંત્રના ચોપડે નોંધાયું છે. જ્યારે વાસ્તવિક સ્મશાનના કોવિડના પ્રોટોકોલ સાથે થયેલા અંતિમ સંસ્કારના આંકડા અલગ વાસ્તવિકતા વર્ણવી રહ્યા છે. કોરોનાની બીજી લહેરમાંથી બહાર આવેલા આણંદ જિલ્લામાં આજે દોઢ વર્ષે કોરોનાનો એક પણ સંક્રમિત દર્દી સારવાર હેઠળ નથી, ત્યારે Etv Bharat એ આણંદ જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારી સાથે ખાસ વાતચીત કરી હતી.
70 થી વધુ ગામો 100 ટકા વેક્સિન સાથે ગામ સુરક્ષિત બન્યા: બી.જી.પ્રજાપતિ
આણંદ જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારી બી.જી.પ્રજાપતિ સાથે થયેલી ખાસ વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે, આણંદ જિલ્લામાં કોરોના સંક્રમણમાં ઘટાડો જોવા મળ્યો હતો. જે બાદ ઘટતા સંક્રમણ સાથે દર્દીઓનો આંકડો શૂન્ય પર પહોંચ્યો છે. જિલ્લામાં સંક્રમણમાં ઘટાડા સાથે રસીકરણ પર વધુ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. જિલ્લામાં સરેરાશ સિત્તેર ટકા 18 વર્ષથી મોટી ઉંમરના વ્યક્તિઓને રસીકરણમાં આવરી લેવામાં આવ્યા છે. તેમના જણાવ્યા પ્રમાણે જિલ્લામાં આવેલ 365 ગામડાઓમાંથી 70 થી વધુ ગામોમાં 100 ટકા વેક્સિન સાથે ગામ સુરક્ષિત બન્યા છે.