આણંદઃ જિલ્લામાં કોરોનાનું સંક્રમણ દિન-પ્રતિદિન વધી રહ્યું છે. કોરોના સંક્રમિત દર્દીઓનો આંકડો 650 સુધી પહોંચવા આવ્યો છે, ત્યારે આણંદ શહેર સાથે ગ્રામ્ય વિસ્તારોમાં પણ સંક્રમણની ગતિ ખૂબ વધી રહી છે. આ પરિસ્થિતિમાં આણંદ જિલ્લામાંથી હવે નાગરિકોના સીધા સંપર્કમાં આવતા નોકરિયાત વર્ગ પર સંક્રમણનો ખતરો મંડરાયો છે.
મળતી માહિતી અનુસાર આણંદ જિલ્લામાં ફેલાઈ રહેલા કોરોના સંક્રમણ વચ્ચે આણંદ વિદ્યાનગર અને વિઠ્ઠલ ઉદ્યોગનગરને જોડતી જનતા ચોકડી પાસે આવેલી સ્ટેટ બેન્કના એક મેનેજરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેથી સ્થાનિક નાગરિકોમાં ભયનો માહોલ સર્જાયો છે.
SBI બેન્કની રિજનલ ઓફીસ પણ આજ બેન્ક પરિષદમાં આવતી હોવાથી મોટી સંખ્યામાં બેન્કના કર્મચારીઓની અવર જવર રહેતી હોય છે. આ સાથે જ ઉદ્યોગનગર વિદ્યાનગર અને આણંદને જોડતી જનતા ચોકડી પર આ બ્રાન્ચ આવેલી હોવાથી મોટી સંખ્યામાં ખાતેદારોની ચહેલ-પહેલ ધરાવતી આ બ્રાન્ચમાં મેનેજરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેથી આ મેનેજરને સારવાર અર્થે સમરસ હોસ્ટેલમાં ખસેડવામાં આવ્યા છે. આ સાથે જ આરોગ્ય વિભાગ દ્વારા બેન્ક કર્મચારીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ સેનિટાઈઝિંગની કામગીરી કરવામાં નહીં આવતાં અનેક સવાલો પણ ઉદ્ભવ્યા છે.
મળતી માહિતી અનુસાર જનતા SBIમાં મેનેજર તરીકે ફરજ બજાવતા આ વ્યક્તિ કાર લોન વિભાગના મેનેજર હતા. જેથી રોજ-બરોજ અનેક લોકોને લોન સંબંધે અને બેન્કમાં પણ મહત્તમ વિભાગો સાથે લોનના દસ્તાવેજી કામ કાજ માટે સંપર્કમાં આવતા હતા.