- સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં BJPનો અભૂતપૂર્વ વિજય
- BJP પ્રદેશ મહામંત્રી ભાર્ગવ ભટ્ટે કૉંગ્રેસ પર કર્યા પ્રહાર
- પરિણામો બાદ રાજીનામાં આપવા કોંગ્રેસની પરંપરા: ભાર્ગવ ભટ્ટ
આણંદ:સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ અભૂતપૂર્વ વિજય પ્રાપ્ત કર્યો છે. પ્રથમ તબક્કામાં તમામ મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીએ ભગવો લહેરાવ્યો હતો, ત્યારે બીજા તબક્કામાં જાહેર થયેલા નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં પણ સમગ્ર રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીએ ખૂબ જ ઉત્કૃષ્ટ પ્રદર્શન દેખાડ્યું છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ મહામંત્રી ભાર્ગવ ભટ્ટે મીડિયા સમક્ષ વાતચીતમાં કોંગ્રેસ પક્ષ ઉપર આકરા પ્રહારો કર્યા હતા.
કોંગ્રેસે જનતાના વિમુખ થવા પાછળના કારણો શોધવા જોઈએ: ભાર્ગવ ભટ્ટ
ભાર્ગવ ભટ્ટે કોંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, કોંગ્રેસમાં ચૂંટણીના પરિણામો એ રાજીનામાની સિઝન છે. ચૂંટણી પછી રાજીનામા આપવા એ કોંગ્રેસની પરંપરા રહી છે. જ્યારે, પરિણામ બાદ વિજય ઉત્સવ મનાવવો એ ભારતીય જનતા પાર્ટીની પરંપરા રહી છે. કોંગ્રેસે મનોમંથન કરવાની જરૂર છે કે જનતા કેમ વિમુખ બની છે અને જનતાના વિમુખ થવા પાછળના કારણો તે શોધી કાઢશે ત્યારે નાનામાં નાના કોંગ્રેસના કાર્યકર્તાને કોંગ્રેસમાં રહેવાનું અસંભવ લાગશે અને તેમને પ્રશ્ચયતાપ થશે કે અહીં હું રહી ન શકું! સાથે જ તેમણે ઉમેર્યું હતું કે, કોંગ્રેસ પક્ષ એટલે પરિવારવાદ, કોંગ્રેસ એટલે કકળાટ, કોંગ્રેસ એટલે ભાગલા પાડોની કોમવાદી રાજનીતિ, આના કારણે જનતા કોંગ્રેસથી વિમુખ થઇ છે. અને જ્યાં સુધી કોંગ્રેસ પાર્ટી આ સત્ય નહીં સ્વીકારે ત્યાં સુધી રાજીનામા આપવાથી કોઈ ફરક નહીં પડે.